હોળીના રંગ ના બગાડે તબિયત, રાખો સાવચેતી
હોળીના રંગ અને મસ્તીનો ઉત્સવ છે. રંગો રમતી વખતે માણસ અમીર-ગરીબનો ભેદ ભૂલીને મજા કરે છે. આ તહેવાર આ રીતે જ ઉજવાય તે જરૂરી છે પરંતુ રમતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કેમિકલ કલર્સ છે જોખમી
હોળી પર મળતા કેમિકલ રંગ સસ્તા તો હોય છે પણ હાનિકારક પણ હોય છે. એનાથી આંખ, નાક, ત્વચા પર માઠી અસર પડે છે. તેથી હોળીને ભરપૂર માણવા માટે હર્બલ કલર્સનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગ સ્કીન ફ્રેન્ડલી હોય અને ઝડપથી નીકળી જાય છે.
શરીર ઢંકાય તેવા કપડાં પહેરો
રંગ રમતી વખતે એવા કપડાં પહેરો જે તમારા બધા અંગો ઢંકાયેલા રહે. કારણ કે કેટલાક અંગો પર કલરની વધારે ખરાબ અસર થાય છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
આંખની સુરક્ષા જરૂરી
આંખ આપણાં શરીરનું મહત્વનું અંગ છે. તેની સુરક્ષા સર્વોપરી છે. રંગ કે કેમિકલનો કણ આંખમાં પડે તો નુકસાન થઇ શકે છે. તેથી જ્યારે પણ હોળી રમો ત્યારે રંગીન ચશ્મા પહેરેલા રાખો. એનાથી તમે સ્ટાઇલિશ લાગશે અને આંખો પણ સુરક્ષિત રહેશે.
ચહેરા પર બનાવો સુરક્ષા ચક્ર
હોળીમા સૌથી ખરાબ હાલત ચહેરાની થાય છે. આના પર રંગ લગાવ્યા વિના હોળીની શરૂઆત થતી જ નથી. તેથી ચહેરાને સંતાડી તો ના શકાય પરંતુ થોડી સાવચેતી રાખી શકાય. આ માટે તમારે ચહેરા પર પેટ્રોલિયમ જેલી કે સરસિયુ કે નારિયેળ તેલ લગાવો. આ રંગ તમારા વાળમાં પડશે પણ એને ડેમેજ નહી કરી શકે.