બિઝી હોય કે લેઝી હોય બંને લાઇફસ્ટાઇલ માટે આ ફ્યુઝન વર્કઆઉટ શ્રેષ્ઠ વિકલ્પ છે
- આ ફ્યુઝન વર્કઆઉટ તમને એન્ટરટેઇનમેન્ટની સાથે-સાથે બોડી એક્ટિવ રાખવામાં પણ મદદ કરશે
નવી દિલ્હી, તા. 13 જુલાઇ 2020, સોમવાર
વ્યસ્ત અને ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલ માટે ફ્યૂઝન વર્ક આઉટ ખૂબ જ સારો વિકલ્પ છે. તેમાં એરોબિક્સ સાથે ગ્લેમર પણ જોડાયેલું છે. આ મુવિંગ એક્સરસાઇઝ છે જેનાથી કેલરી તો ઓછી થાય જ છે, બોડી પણ એક્ટિવ રહે છે. આ પ્રકારના વર્કઆઉટ્સથી ખાસ કરીને પેટ અને હાથની બાજુઓની આસપાસ સેલ્યુલાઇટ ઘટાડવામાં મદદ મળે છે અને બોડી શેપમાં આવી જાય છે. પરંતુ વજન ઘટાડવા માટે ફ્યૂઝનનો કોઇ રોલ નથી. વજન ઘટાડવા માટે તો યોગ, ટ્રેડિશનલ કસરતની સાથે યોગ્ય ડાયેટ જ ઉપયોગી સાબિત થશે. તેમાં પણ યોગ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે, જેનાથી મન અને શરીર બંનેની કસરત થઇ જાય છે અને યોગ્ય પરિણામ પણ મળે છે. એવું જરૂરી નથી કે સવાર સવારમાં જ યોગ કરવો ફાયદાકારક હોય છે તમે સાંજે પણ યોગ કરી શકો છો.
ફ્યૂઝન વર્કઆઉટના પ્રકાર
બૉલીરૉબિક્સ
જે લોકો બોલીવુડ સૉન્ગસ પર નાચી શકે છે તેમને વર્કઆઉટમાં કોઇ પરેશાની થશે નહીં. તેનાથી એન્ટરટેઇનમેન્ટની સાથે સાથે ફુલ બોડી વર્કઆઉટ થઇ જશે. સ્ટ્રેસ અથવા ડિપ્રેશન દૂર કરવા માટે પણ આ પરફેક્ટ વર્ક આઉટ છે. સૌથી સારી વાત એ છે કે આજકાલ મહિલાઓ આ પ્રયોગથી સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવી રહી છે.
મસાલા ભાંગડા
આ પણ બોલિરોબિક્સની જેમ જ છે. આમાં ભાંગડાની સાથે એરોબિક્સને મિક્સ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી તથા મુંબઇના જિમમાં આ ખૂબ જ પૉપ્યુલર કસરત માનવામાં આવી રહી છે. આજકાલ કેટલાય જિમ ટ્રેનર ભાંગડા તેમજ બોલીવુડ સ્ટેપ્સને લેટિનો-અમેરિકન ઝુમ્બા બીટ્સની સાથે પણ વર્કઆઉટ કરાવી રહ્યા છે. સ્મૉલ ડમ્બેલ્સ સાથે બીટ્સ પર ડાન્સ પણ ઘણું પોપ્યુલર થઇ રહ્યું છે.
યોગાલેટીઝ
આ પૂર્વ અને પશ્ચિમનું મિશ્રણ છે. તેમાં આખા શરીરનું સ્ટ્રેચિંગ થાય છે. શ્વાસ પર નિયંત્રણ, સંતુલન અને યોગ્ય પૉશ્ચર શીખવવામાં આવે છે. તેનાથી શરીરના દરેક ભાગનું વર્કઆઉટ થઇ જાય છે. યોગ અને પિલેટીઝનું પારસ્પરિક સુમેળ શ્રેષ્ઠ છે, કારણ કે બંને ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા છે અને બંનેમાં શ્વાસને નિયંત્રિત કરવાનું શિખવવામાં આવે છે.