આ ખૂબી ધરાવતા વ્યક્તિના મિત્ર બનવા લોકો હોય છે તલપાપડ, કેટલી છે તમારામાં ?
અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર
જીવનમાં મિત્રો હોવા ખૂબ જરૂરી છે. જે વાતો આપણે પરીવાર સાથે શેર કરી શકતાં નથી તે મિત્રો સાથે કરી શકાય છે. મિત્રો સાથે સમય પસાર કરવો, ફરવા જવું અને તેમની પાસે મનનો ભાર હળવો કરવો આ વસ્તુઓ વ્યક્તિને માનસિક રાહત અને સુખદ અનુભવ કરાવે છે. પરંતુ કેટલાક લોકોની નકારાત્મક છાપના કારણે તેમના મિત્રો ખૂબ ઓછા હોય છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે કે તેમના મિત્રોની સંખ્યા અગણિત હોય છે. આવા લોકો જ્યાં પણ જાય છે ત્યાં મિત્ર બનાવી લેતા હોય છે. આ જાદુ તે વ્યક્તિનો નહીં પરંતુ તેના સ્વભાવની કેટલીક ખૂબીઓનો હોય છે. આ ખૂબીના કારણે લોકો તેમના મિત્ર બનવા માટે આતૂર રહે છે.
ખુશ રહેવુ
ખુશી અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો તો લોકો તમને પસંદ કરશે. જો કોઈને જોવાથી તમારા ચહેરા પર સ્મિત નથી આવતું તો લોકો પણ તમને જોઈ દૂર જવાનું પસંદ કરશે. જે લોકો ખુશમિજાજ રહે છે તેમની સાથે સમય પસાર કરવો સૌ કોઈને ગમે છે.
જેવા છે તેવા સ્વીકારો
દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. દરેક વ્યક્તિમાં કેટલીક ખૂબી હોય છે તો કેટલીક ખામી. લોકોની ખામી દેખાડવામાં સમય બગાડવા કરતાં તેની ખૂબીઓને સ્વીકારતાં શીખવું. લોકો જેવા હોય તેવા તેમને સ્વીકારશો તો લોકોને તમારા મિત્ર બનવું ગમશે.
મદદ કરો
પોતાનો સ્વાર્થ બાજુ પર મુકી અને અન્યને મદદ કરવાની આદત રાખવી. કોઈ મિત્ર સમસ્યામાં હોય ત્યારે તેની મદદ કરવાથી તે તમારું ઋણ અને કરેલી મદદને હંમેશા યાદ રાખશે. તેથી નાના મોટા કામમાં મિત્રની મદદ કરવાની ટેવ રાખવી.
લોકોનું માન જાળવો
દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન વહાલું હોય છે. ક્યારેય પોતાની જાતને મહાન જાણી અન્યનું અપમાન કરવું નહીં. તમે અન્યને સન્માન આપશો તો તમારી સાથે સંબંધ રાખવામાં લોકોને રસ પડશે. લોકો માટે મનમાં કરુણતાનો ભાવ રાખવો જરૂરી છે.
ભુલને ભુલી જવી
કોઈપણ વ્યક્તિ હોય તેના માટે મનમાં કાયમી દ્વેષભાવ ન રાખવો. નફરત અને નકારાત્મકતા તમને સ્વજનોથી દૂર કરી દેશે. સંબંધોમાં એવી ઘટનાઓ બને છે કે જ્યાં તમને દુખ પહોંચે પરંતુ આ દુખને ભુલી જવાથી લોકો તમારી નજીક રહેશે.