4 Augustએ ઉજવાશે ફ્રેન્ડશીપ ડે, જાણો ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત
નવી દિલ્હી, 30 જુલાઈ 2019, મંગળવાર
ફ્રેંડશીપ ડે એટલે યુવાધન માટે ખાસ દિવસ, આ દિવસની ઉજવણી તેઓ પોતાના મિત્રો સાથે કરે છે. દર વર્ષે આ દિવસ ઓગસ્ટ માસના પહેલા રવિવારે ઉજવાય છે. આ વર્ષે આ દિવસ 4 ઓગસ્ટના રોજ આવશે. આમ તો આ દિવસની ઉજવણી કરવાનું ચલણ ભારતમાં વિદેશથી આવ્યું છે પરંતુ વર્તમાન સમયમાં આ દિવસને અહીં પણ ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ક્રેઝ બાળકોમાં સૌથી વધારે હોય છે. તેઓ એકબીજા માટે ગિફ્ટ અને બેલ્ટ લઈ અગાઉથી જ આ દિવસ ઉજવવાની તૈયારીઓ કરવા લાગે છે.
આ દિવસની ઉજવણી લોકો ગ્રીટિંગ કાર્ડ અને ગિફ્ટ સાથે પણ કરે છે. એકબીજાને સોશિયલ મીડિયા પર વિશ કરી અને આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થાય છે. પરંતુ આ દિવસ ઉજવવાની શરૂઆત કેવી રીતે અને શા માટે થઈ તેના વિશે લોકો જાણતા નથી.
ફ્રેંડશિપ ડેની શરૂઆત
માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 1935માં અમેરિકન કોંગ્રેસએ કરી હતી. આ દિવસ ઓગસ્ટ માસના પહેલા રવિવારે ઉજવાશે તેવી ઘોષણા પણ તે સમયે થઈ હતી. આ વર્ષ બાદ આજ સુધી આ પ્રથા ચાલી આવે છે.
વર્લ્ડ ફ્રેંડશીપ ડે
વર્લ્ડ ફ્રેંડશીપ ડે ક્રુસેડ દ્વારા 30 જુલાઈ 1958ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ કેટલાક દેશમાં વિધિવત રીતે તેને ઉજવવામાં આવે છે, 27 એપ્રિલ 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેંબલીમાં દર વર્ષ આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. અલગ અલગ દેશોમાં અલગ અલગ તારીખે આ દિવસ ઉજવાય છે. કેટલાક દેશમાં 20 જુલાઈ તો કેટલાક દેશમાં 30 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં તેને ઓગસ્ટ માસના પહેલા રવિવારે જ ઉજવવામાં આવે છે.