Holi 2021: જાણો, કેવી રીતે ચહેરા પરના જિદ્દી રંગ દૂર કરશો?
નવી દિલ્હી, તા. 29 માર્ચ 2021, સોમવાર
ધૂળેટી પર મિત્રોનો સાથ અને ખુશીઓના રંગ તેને ખાસ બનાવે છે. આ દિવસે અબીલ અને ગુલાલના રંગથી રંગાયેલા લોકો જોવા મળે છે, પરંતુ ઘણીવાર જ્યારે હોળી પછી આ રંગોને દૂર કરવાની નોબત આવે છે ત્યારે મુશ્કેલી પડે છે. શરીર પર જામી ગયેલા રંગ જલ્દી દૂર થતા નથી. ત્યારે લાંબા સમય સુધી ત્વચા પર રંગ લગાવી રાખવાથી ખંજવાળ, એલર્જી અથવા તો સ્કિન ઈન્ફેક્શનની સમસ્યા થઇ શકે છે. એવામાં રંગોને જલ્દી સાફ કરવા ખૂબ જ જરૂરી હોય છે. એવામાં હોળીના જિદ્દીથી જિદ્દી રંગ તમે રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી સરળતાથી દૂર કરી શકો છો. જાણો, રંગ દૂર કરવા માટે કઇ વસ્તુઓનો ઉપયોગ કરશો?
લીંબૂ અને બેસન
લીંબૂ અને બેસનનો ઉપયોગ કરીને પણ શરીર પર લાગેલા રંગને સરળતાથી દૂર કરી શકાય છે. રંગ દૂર કરવા માટે બેસનમાં લીંબૂ અને દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને પોતાની ત્વચા પર લગાઓ. લગભગ 20 મિનિટ સુધી આ પેસ્ટ લગાવી રાખો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ નાંખો. તમારો ચહેરો સાફ થઇ જશે.
ઝિન્ક ઑક્સાઇડ અને કેસ્ટર ઑઇલ
ત્વચા પર જામી ગયેલા ડાર્ક કલર્સને દૂર કરવા માટે બે ચમચી ઝિન્ક ઑક્સાઇડ અને બે ચમચી કેસ્ટર ઑઇલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ. ત્યારબાદ હળવા હાથેથી મસાજ કરીને ચહેરાને પાણીથી ધોઇ નાંખો. ત્યારથી 20 મિનિટ પછી સાબુ લગાવીને ચહેરાને ધોઇ નાંખો. ત્વચા પરનો રંગ સરળતાથી દૂર થઇ જશે.
જવનો લોટ અને બદામનું તેલ
જવનો લોટ અને બદામના તેલથી પણ શરીર પર જમા જીદ્દી રંગોને દૂર કરી શકાય છે. જવનો લોટ, બદામના તેલને ત્વચા પર લગાવીને રંગને સાફ કરી શકાય છે.
કાચું પપૈયું અને દૂધની પેસ્ટ
આ ઉપરાંત તમે દૂધમાં થોડાક કાચા પપૈયાને ક્રશ કરીને મિક્સ કરો. આ સાથે થોડીક મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મિક્સ કરો અને ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. લગભગ અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઇ નાંખો. રંગ જાતે ઉતરી જશે.
સંતરાની છાલ
ચહેરા પરના જિદ્દી રંગોને દૂર કરવા માટે સંતરાની છાલ, મસૂરની દાળ અને બદામને દૂધમાં દળીને તેની એક પેસ્ટ બનાવી લો. આ તૈયાર ઉબટનને ત્વચા પર લગાઓ અને મસાજ કરો ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો. ત્વચા સાફ થઇ જશે અને તેમાં નિખાર પણ આવશે.
કાકડીનો રસ
આજકાલ બજારમાં કાકડી સરળતાથી મળી જશે. તેનો ઉપયોગ કરીને તમે સ્કિન પરથી રંગોની અસર દૂર કરી શકો છો. તેના માટે કાકડીનો રસ કાઢીને તેમાં થોડુક ગુલાબ જળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ તેને પોતાના ચહેરા પર હળવા હાથેથી મસાજ કરી લો. તેના ઉપયોગથી ચહેરાનો રંગ પણ દૂર થઇ જશે અને સ્કિનમાં નિખાર પણ આવશે.
મૂળા અને બેસનની પેસ્ટ
રંગ દૂર કરવાના કેસમાં મૂળા પણ તમને સાથ આપશે. તેના માટે મૂળાનો રસ કાઢીને તેમાં દૂધ, બેસન અને મેદો મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડીકવાર માટે રહેવા દો. પેસ્ટના સુકાઇ ગયા બાદ ચહેરાને પાણીથી સારી રીતે ધોઇ નાંખો. તેનાથી ચહેરો સાફ થઇ જાય છે. ચહેરો જ નહીં શરીરના કોઇ પણ અંગ પર જમા રંગને દૂર કરવાના હોય તો આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. કોઇ પણ નુસ્ખા અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.