100 વર્ષ જૂના મૈસુર સેન્ડલ સોપ વિશે જાણો રસપ્રદ માહિતી, જૂની યાદો થશે તાજી
નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2019, બુધવાર
દક્ષિણ ભારત સહિત દેશભરના લોકોને એક લોકપ્રિય સાબુ યાદ જ હશે જે છે મૈસુર સેન્ડલ સોપ. જી હાં નામ વાંચવાની સાથે જ મનમાં ચંદનની સુગંધથી મહેકતા એક સાબુની કલ્પના મનમાં આવી જાય છે. અનેક લોકોએ તેમના જીવનમાં એકવાર મૈસુર સેન્ડલ સોપનો ઉપયોગ કર્યો જ હશે.
જો આજના યુવાવર્ગએ જો આ સાબુનો ઉપયોગ નહીં કર્યો હોય તો ચોક્કસથી તેમના માતાપિતા કે દાદા દાદીએ તો આ સાબુ વાપર્યો જ હશે. કારણ કે આ સાબુ 100 વર્ષ જૂનો છે. આ સાબુની ખાસ વાત એ પણ છે કે તે ભારતમાં જ ઉત્પાદિત સૌથી લોકપ્રિય સાબુ છે. આ સાબુની લોકપ્રિયતા એક સમયે વિદેશ સુધી હતી. તો ચાલો આજે જાણો આ ખાસ સાબુની સુગંધિત અને રસપ્રદ માહિતી વિશે.
1. ચંદનના ઝાડના કારણે શરૂ થયું ઉત્પાદન
કર્ણાટક જેને ચંદનની ભૂમિ પણ કહેવામાં આવે છે તે બ્રિટીશ શાસન દરમિયાન ચંદનના પુષ્કળ વૃક્ષોનું ઘર હતું. આ લાકડું તે સમયે મુખ્યત્વે યુરોપિયન દેશોમાં મોકલવામાં આવતું હતું. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે ચંદનનો વેપાર બીજા દેશોમાં અટકી ગયો. તે સમયે મૈસુર રાજ્યના શાસક નલવાડી કૃષ્ણરાજા વોડિયારે ચંદનનો ઉપયોગ કરવા માટે મૈસુર સેન્ડલ સોપ ફેક્ટરીની સ્થાપના કરી.
2. 100% શુદ્ધ ચંદન તેલમાંથી બનતો સાબુ
મૈસુર સેન્ડલ સોપ વિશ્વનો એકમાત્ર એવો સાબુ છે જે 100% શુદ્ધ ચંદન તેલથી બનેલો છે. તેના માટે ચંદનનું તેલ કર્ણાટક અને દક્ષિણ ભારતના ચંદનના ઝાડમાંથી કાઢવામાં આવે છે.
3. મૈસુર સેન્ડલ સોપ પર છે જીઆઈ ટેગ
મૈસુર સેન્ડલ સોપનું નિર્માણ ભારતમાં કર્ણાટક સરકારની માલિકીની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ એટલે કે કેએસડીએલ દ્વારા કરવામાં આવે છે. તેમની પાસે જીઆઈ ટેગ પણ છે જેનો અર્થ થાય છે. આ સાબુ ફક્ત ત્યારે જ અધિકૃત છે જ્યારે તે કેએસડીએલ દ્વારા બનાવાયો હોય.
4. ઓફિશિયલ લોગો છે સરભા
આ ભારતનું પૌરાણિક પ્રાણી છે જેમાં સિંહનું શરીર છે અને હાથીનું માથું છે. તે ચાતુર્ય, હિંમત અને શક્તિ દર્શાવે છે. આ લોગો કંપનીની આગની ઓળખ બની ગયો છે.
5. એમ. એસ. ધોની બ્રાંડ એમ્બેસેડર
ભારતમાં અન્ય સાબુની સામે જ્યારે આ સાબુને માર્કેટિંગની જરૂર પડી ત્યારે તેના બ્રાંડ એમ્બેસેડર ક્રીકેટર એમ. એસ. ધોની બન્યા હતા. જો કે કેટલાક કાયદાકીય મુદ્દાઓના કારણે આ કરાર રદ્દ કરવામાં આવ્યો છે.
6. 85 ટકા વેચાણ દક્ષિણ ભારતમાં
આ સાબુ દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. મૈસુર સેન્ડલ સોપનું 85 ટકા વેચાણ કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે.
7. કર્ણાટકના ચંદનમાં ઘટાડો
ચંદનના લાકડાનો વધારે ઉપયોગ અને તેના ઝાડને વધારવાની યોગ્ય યોજનાના અભાવના કારણે કર્ણાટકમાં ચંદનના ઝાડ ઘટી રહ્યા છે. તેના કારણે કેએસડીએલ ચંદનનું લાકડું બીજા રાજ્યો અને બીજા દેશોમાંથી લાવવાની યોજના બનાવી રહી છે.