ત્વચાની સમસ્યાઓને જડમૂળથી દૂર કરી દેશે ગાજર, આ રીતે કરો ઉપયોગ
નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2020, મંગળવાર
ગાજરનો ઉપયોગ સામાન્ય રીતે શાક, સલાડ કે હલવો બનાવવામાં થતો હોય છે. પરંતુ શું તમે આ વાત જાણો છો કે ગાજર ત્વચાની સુંદરતા વધારવામાં પણ ઉપયોગ છે ? તેમાં રહેલા પોષક તત્વો ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરે છે. તો ચાલો જાણીએ કે ગાજર કેવી રીતે ત્વચાને નિખારવામાં મદદ કરે છે.
સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવા
ઠંડીમાં ત્વચાની નમી લુપ્ત થઈ જાય છે અને તેના કારણે ત્વચા પર ડ્રાયનેસ રહે છે. તેવામાં ગાજર ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે. તેના માટે ગાજરને ખમણી લો અને તેમાં 2 ચમચી મલાઈ ઉમેરો, તેમાં 1 ચમચી મધ અને ઓલિવ ઓઈલ ઉમેરી મિક્સ કરો. આ વસ્તુઓની પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ત્વચાને હુંફાળા પાણીથી સાફ કરી લો.
કરચલીઓ દૂર કરવા
વધતી ઉંમરની અસર સૌથી પહેલા ત્વચા પર કરચલીઓ તરીકે દેખાવા લાગે છે. આ કરચલીઓને દૂર કરવામાં પણ ગાજર ઉપયોગી છે. તેના માટે ગાજરનો રસ લઈ તેમાં 2 ચમચી લીંબૂનો રસ અને 1 ચમચી છાશ અને ચણાનો લોટ જરૂર અનુસાર ઉમેરો. હવે આ માસ્કને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.
ખીલ દૂર કરવા
જો તમને ખીલ થતા હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે ગાજરની સ્મૂથ પેસ્ટ બનાવી તેમાં મધ, લીંબૂનો રસ ઉમેરી આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. આ પેકને સપ્તાહમાં બે વખત લગાડવાનું શરૂ કરો. ખીલની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે.
સ્કિન એક્સફોલિએટ કરવા
ડેડ સ્કિન ચહેરા પર જમા થઈ જાય તો ત્વચા બેજાન દેખાય છે. તેને એક્સફોલિએટ કરવી જરૂરી હોય છે. આમ તો આ કામ સ્ક્રબથી થાય છે પણ તમે ગાજરનો ઉપયોગ કરી ત્વચાને સ્ક્રબ કરી ચમકાવી શકો છો. તેના માટે ગાજરને ખમણી તેમાં ખાંડ ઉમેરી અને તેનાથી ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી ચહેરો સાફ કરી લો.