ટકાઉ, લાઈટ-વેઈટ અને પર્યાવરણપોષક ફર્નિચર
નેતરનાં ફર્નિચર ખૂબ ચાલતાં હોવાનું કારણ તે ટકાઉ તથા ઘણા વર્ષો સુધી ચાલે છે
છેલ્લા કેટલાક દાયકાઓમાં ફર્નિચરજગતમાં ઘણા બદલાવ આવ્યા છે. વજનદાર, ટકાઉ અને ફક્ત શ્રીમંતોની લક્ઝરીનું પ્રતિક બનતાં ફર્નિચરની જગ્યાએ લાઈટવેઈટ મોડર્ન ફર્નિચર આવ્યાં, જે ટકાઉ હોવાની સાથે સુંદર અને સામાન્ય માણસને પરવડે એવાં છે. હવેનું ફર્નિચર એ વાત સાબિત કરે છે કે હવે સ્ટીલ અને લાકડાના ફર્નિચરથી આગળ માર્કેટમાં ઘણું બધું છે જે ઘરને ડેકોરેટ કરે છે.
વાંસની સળીઓ અને નેતરની સોટી જેવા કેટલાંય મટીરીયલમાંથી બનાવેલાં નેતરનાં ફર્નિચર ઘરના દરેક ખૂણા માટે બને છે, પછી એ બેડરૂમ હોય, લિવિંગરૂમ હોય કે પછી ડાઈનંગ એરિયા. નેતરની ખુરશીઓ, સોફા, ટેબલ, બેડ જેવાં ફર્નિચર લાઈટવેઈટ હોવાથી ઘરના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ખસેડવામાં પણ કોઈ પ્રકારની મુશ્કેલી નથી થતી.
કેન ફર્નિચર ગમે તે પ્રકારના સરાઉન્ડિંગ સાથે મેચ થઈ જાય છે. અને વાતાવરણને ફ્રેશ બનાવે છે. કેનનું ફર્નિચર મોડર્ન લુક આપવાની સાથે એક પ્રકારનો ટ્રેડિશનલ ટચ પણ આપે છે. જો કે એવું પણ નથી કે આ ફર્નિચર એટલે જુનવાણી સ્ટાઈલ. તમે જુદી જુદી સ્ટાઈલની ડિઝાઈન પસંદ કરીને પોતાની સિગ્નેચર સ્ટાઈલ પણ બનાવી શકો છો.
એક મટીરીયલ તરીકે નેતર ખૂબ ટકાઉ અને કડક છે, પણ નવા અને ઈનોવેટિવ ફર્નિચર મેકર્સે એ જ ટફ નેતરને વરાળ આપવાની ટેક્નિકથી સોેફ્ટ અને વજનમાં હલકું બનાવવાની કોેશિશ કરી છે. આ ટેક્નિકથી નેતરને ગમે એટલું વાળી શકાય છે અને એને લીધે એને મનગમતી ડિઝાઈનના ફર્નિચરનું રૂપ આપી શકાય છે.
હકીકતમાં નેતરને જેમ નેચરલી વાળીને નવા નવા શેપ આપી શકાય છે એવી ક્વોલિટી ફર્નિચર બનાવવા માટે વપરાતા બીજા કોઈ પ્રકારના મટીરીયલમાં નથી. કોમન એવી નેતરના ફર્નિચરની આઈટમ્સ એટલે ખુરશીઓ, સોફાસેટ, સ્ટૂલ, ટેબલ, બેન્ચ, ઝૂલા, ચેર, ડ્રેસિંગ ટેબલ, બુકશેલ્ફ, શૂ-રેક, રિકલાઈનર વગેરે. નેતરની બનાવટ ગાર્ડનને પણ ખૂબ સારો લુક આપે છે જેમાં હેન્ગિંગ લેમ્પ, બાસ્કેટ, ગાર્ડન બેન્ચિસ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.
નેતરનાં ફર્નિચર અત્યારે ખૂબ ચાલતાં હોવાનું કારણ એટલે એનો ટકાઉ હોવાનો ગુણ અને સાચવવા માટે લેવી પડતી ખૂબ ઓછી સંભાળ. નેતરનું ફર્નિચર ખૂબ ઓછી સાચવણી માગે છે અને એની સામે વધારે વર્ષ સુધી ટકે છે.
લાંબા સમયે આ ફર્નિચરની શાઈન ઓછી થતી જાય છે એટલે નેતરને તમે વાર્નિશનો ઉપયોગ કરીને ફરીથી પોલિશ પણ કરાવી શકો છો. મોટા ભાગે ઘરમાં રહેતી ગૃહિણીઓ માટે નેતરનું ફર્નિચર ખૂબ સારું ઈન્વેસ્ટમેન્ટ છે, કારણ કે આ ફર્નિચર વજનમાં ખૂબ હલકું હોવાથી સાફ કરતી વખતે ખસેડવામાં મહેનત નથી માગતું.
હેરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રાઈપ્સ, પોલકા ડોટ, અલ્ટ્રા ફેશનેબલ ફેબ્રિક અને ડિઝાઈન્સ હવે ગૃહિણીઓનાં ફેવરીટ બની ગયા છે જેને નેતરના ફર્નિચરમાં લેધર, વેલ્વેટ, શણ જેવા મટીરીયલનો ઉપયોગ કરી શકાય.