Get The App

માત્ર જાહેરાતો વાંચીને 'ટમી ટક'ની ટ્રીટમેન્ટ ન કરાવશો

Updated: Dec 23rd, 2018

GS TEAM

Google News
Google News
માત્ર જાહેરાતો વાંચીને 'ટમી ટક'ની ટ્રીટમેન્ટ ન કરાવશો 1 - image


આપણે અવારનવાર  અખબારો અને સામયિકોમાં આવતી 'ટમી ટક' કે 'એબડોમિનોપ્લાસ્ટી' ની જાહેરાતો વાંચીએ છીએ. તેની સાથે આપેલા ફોટા પરથી અશિક્ષિત લોકો પણ એટલું તો સમજી જ શકે છે કે પેટ પર જમા થયેલા ચરબીના થર દૂર કરવા માટેની શસ્ત્રક્રિયાને 'ટમી ટક' કે એબડોમિનોપ્લાસ્ટી કહેવાય. પણ તે શી રીતે કરવામાં આવે છે કે તેના સારાનરસાં પાસાં વિશે બહુ ઓછા લોકો જાણે છે. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે કે...

આ એક પ્રકારની કોસ્મેટિક પ્રક્રિયા છે જે ઢીલા પડી ગયેલા પેટને ફરીથી કઠણ-મજબૂત બનાવે છે. તેમાં પેટ પરની વધારાની ચરબી તેમ જ પેટના વચ્ચેના તેમ જ નીચેના ભાગમાંથી ઢીલી પડી ગયેલી ત્વચાને દૂર કરવામાં  આવે છે. આંશિક અથવા પેટના એક ભાગની એબ્ડોમિનોપ્લાસ્ટીકમાં ડુંટીની નીચેની ત્વચાને દૂર કરવામાં આવે છે.

ઉપરની ચામડીને સ્પર્શવામાં નથી આવતી. ત્યાર પછી ઉપરની ત્વચાને નીચે ખેંચવામાં આવે છે. જોકે તેને લીધે ડુંટીની જગ્યા બદલાઈ જાય છે અથવા તે ઢંકાઈ જાય છે. તેથી કૃત્રિમ ડુંટી બનાવવામાં આવે છે.

જ્યારે સંપૂર્ણ એબ્ડોમિનોપ્લાસ્ટીમાં સમગ્ર બિકિની લાઈનમાં તેમ જ ડુંટીને ફરતે કાપો મૂકવો પડે છે. સાંધા પાસેથી સ્નાયુઓને ખેંચીને ટાઈટ કરવા માટે પેટ પરની ત્વચાને ઉખેળવી પડે છે. સ્નાયુ ખેંચીને ટાઈટ કરી દીધાં પછી ત્વચાને બિકિની લાઈનમાં સીવી લેવામાં આવે છે અને તેની નિશાનીઓ દૂર થતાં એક વર્ષ જેટલો સમય લાગે છે.

મીની-ટક શસ્ત્રક્રિયા કરવામાં માત્ર એક કલાક જેટલો સમય લાગે છે અને દરદીને તે દિવસે જ ઘરે જવા દેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ ટમી-ટક કરતાં ચાર કલાક લાગે છે. આ શસ્ત્રક્રિયા પછી દરદીને બે દિવસ સુધી તબીબોના નીરિક્ષણ હેઠળ રહેવું પડે છે. આ પ્રક્રિયા માટે દરદીએ ૧,૫૦,૦૦૦ રૂપિયાથી લઈને ૩,૫૦,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે.

સર્જરી પછી દરદીને ત્રણેક અઠવાડિયા સુધી ભારે કામ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ સિવાય ટિશ્યુને ટેકો આપવામાં અને રિપેર કરવામાં કમ્પ્રેશન ગારમેન્ટ ઘણાં ખપ લાગે છે.

અન્ય કોઈપણ સર્જરીની જેમ આ શસ્ત્રક્રિયામાં પણ આડઅસર થવાની ભીતિ રહે જ છે. તબીબો કહે છે કે આ શસ્ત્રક્રિયા પછી ગર્ભાવસ્થા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત આરંભના તબક્કામાં ત્વચા પર સંવેદના ન  અનુભવાય એવું બને ખરૂં. પણ ત્રણેક મહિનામાં ફરીથી બધું સામાન્ય બની જાય છે. 

Tags :