સંકોચ રાખ્યા વિના બાળક સાથે આ રીતે ઓફિસના કામ કરો મેનેજ
નવી દિલ્હી, 18 મે 2019, શનિવાર
વર્કિંગ પેરેન્ટસ માટે બાળક અને ઓફિસ વચ્ચે તાલમેલ બેસાડવો સૌથી મુશ્કેલ કામ હોય છે. તેમાં પણ કામ કરતી માતા માટે આ કામ ખૂબ અઘરું સાબિત થાય છે. ઓફિસનું કામ અને બાળકની જવાબદારી એવી છે કે જેમાં માતાએ ભારે જહેમત ઉઠાવવી પડે છે. ક્યારેય બંને કામો વચ્ચે તાલમેલ બેસાડવામાં માતાઓને સંકોચ પણ થતો હોય છે કે તે ઓફિસમાં સારું કામ કરે છે કે નહીં ?
ક્યારેક બાળકની જવાબદારીના કારણે ઓફિસના કામ જતા કરવા પડે છે તો ક્યારેય બાળકના અભ્યાસ, સ્કૂલ વગેરેના કામમાં ઓફિસની ડેડલાઈનના કારણે ધ્યાન આપી શકાતું નથી. આ સ્થિતિ વર્કિંગ મધર્સ માટે ચિતાંજનક હોય છે. જો કે આ વિષય પર થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે વર્કિંગ મધર્સની દીકરીઓ પોતાની કારર્કિદી અને સંબંધો બાબતે હાઉસવાઈફની દીકરીઓ કરતાં શ્રેષ્ઠ હોય છે. આ સર્વે 24 દેશોમાં કરવામાં આવ્યો હતો. તો હવે વર્કિંગ મધર્સ કોઈ ચિંતા કર્યા વિના પોતાના કામ પર આ રીતે ધ્યાન આપી શકે છે.
ઓછી અપેક્ષા
કામની જવાબદારી જેટલી વધારે તેટલી જ વધારે અપેક્ષા હોય છે. એટલા માટે જવાબદારી એટલી જ લેવી જેટલી તમે સારી રીતે પૂર્ણ કરી શકો. વધારે પડતા કામ કરવાના ઉત્સાહમાં એટલું કામ માથે ન લેવું કે જે પૂર્ણ પણ ન થાય અને તમારી ચિંતા વધારે. એટલે પોતાની પાસેથી અપેક્ષા એટલા કામની જ રાખવી જેટલું તમે આરામથી કરી શકો. ઘરનું કામ અને ઓફિસ બંને બેલેન્સ રહે તે ખૂબ જરૂરી છે.
બોસ સાથે ચર્ચા કરો
પોતાના બોસ કે અન્ય સાથી કર્મચારી સાથે ફ્લેક્સિ ટાઈમ માટે ચર્ચા કરી લેવી. વાત કર્યા વિના દોડધામ કરવાથી ઓફિસ આવ્યા બાદ પણ બાળકોની ચિંતા સતાવી શકે છે. તેવામાં તમે કામ પર ધ્યાન આપી પણ ન શકો. એટલા માટે ઘરથી કામ કરવું શક્ય હોય તો તેના માટે અથવા તો ઘરના ટાઈમિંગ સાચવ્યા બાદ ઓફિસ જવા વિશે બોસ સાથે ચર્ચા કરી લો.
મદદ લેવામાં સંકોચ ન રાખો
તમારી આસપાસ એવા લોકો છે જે તમને બાળકની સંભાળમાં કે ઓફિસના કામમાં મદદ કરી શકે છે તો સંકોચ રાખ્યા વિના તેમની મદદ લો. કેટલીકવાર મદદ લેવાથી કામ સરળ થઈ જતા હોય છે.
પોતાના માટે કઠોર ન બનો
ક્યારેય એવી પરિસ્થિતિ આવે કે જેમાં તમારાથી ઘર કે ઓફિસના કામમાં ભુલ થાય તો ખરાબ ન લગાડો. આ વાતની ચિંતા કરી આગળના સમયને ખરાબ ન કરો. જે ભુલ થઈ હોય તેના પરથી બોધ લઈ અને આગળ વધો જેથી બીજીવાર આવી સ્થિતિ ન સર્જાય.
બાળકો પોતાના માતાપિતાને જોઈને જ બધું શીખતાં હોય છે. તેથી જો તમે વારંવાર ભુલ કરો તો તેની નકારાત્મક અસર બાળક પર પણ થશે. જીવનમાં જે સ્થિતિ આવે તેનો સામનો કરો જેથી બાળકો પણ તે જ શીખે અને પોતાના જીવનમાં ક્યારેય પાછા પડે નહીં.