Online સસ્તી શોપિંગની ઓફરમાં છેતરાઈ ન જાઓ તેનું આ રીતે રાખો ધ્યાન
નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2019, સોમવાર
જો તમે દિવાળીની ખરીદી ઓનલાઈન શોપિંગ વડે કરવા જઈ રહ્યા હોય તો સાવધાન રહેવું. ઘણી ઇ કોમર્સ સાઇટ્સ જેવી જ નકલી કંપનીઓ લોકોને આકર્ષક ઓફર આપીને પોતાનો શિકાર બનાવી રહી છે. સાયબર સેલ પાસે આ પ્રકારની 45થી વધુ ફરિયાદો 20 દિવસમાં મળી છે. આ બધા કેસોમાં ગ્રાહકે ઓનલાઇન ચુકવણી કર્યા પછી વસ્તુ તેની પાસે પહોંચી નહીં અથવા તો બ્રાન્ડેડના બદલે હલકી ગુણવત્તાવાળો સામાન મળ્યો છે.
આકર્ષક ડિસ્કાઉન્ટ અને સરળતાના કારણે ઓનલાઇન ખરીદી સામાન્ય થઈ ગઈ છે. પરંતુ તેમાં જો તમે નકલી ઇ કોમર્સ સાઇટ પરથી અજાણતા ઓનલાઇન ખરીદી કરી લો તો તમે છેતરપિંડીનો ભોગ બની જાઓ છો. સાયબર સેલની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રતિષ્ઠિત ઇ કોમર્સ સાઇટની જેમ અનેક ઓનલાઇન શોપિંગ માટેની કંપનીઓ બનાવવામાં આવી છે. આ કંપનીઓ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર 50 થી 70 ટકા ડિસ્કાઉન્ટ સહિત અન્ય આકર્ષક ઓફર આપી રહી છે. જો કે આ ઓફર ફક્ત દિવાળીની સિઝનમાં જ નહીં 365 દિવસ રહે છે.
સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને ફસાવવા
સાયબર ઠગ સોશિયલ મીડિયા પર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓના નામે બનાવટી લિંક્સ શેર કરે છે અને તેમાં આકર્ષક ઓફર પણ બતાવે છે. તેમાં 10,000 રૂપિયાની કિંમતના સામાન 2 થી 5 હજારમાં વેચવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં જો તમે તેના પર વિશ્વાસ કરી તેમાં ક્લિક કરો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.
વેબસાઇટ કેવી રીતે ઓળખવી
સાયબર સેલના પ્રભારી લાનસિંહના જણાવ્યાનુસાર નકલી વેબસાઇટને ઓળખવા માટે સૌ પ્રથમ વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તે જુઓ. કારણ કે અસુરક્ષિત સાઇટ પર કોઈપણ પ્રકારની ચુકવણી કરવાનો અર્થ છે કે તમારા પૈસાની ચોરી. જો કોઈ વેબસાઇટના URLની શરૂઆતમાં લીલા રંગના લોકનું સિમ્બોલ ન હોય અથવા તેમાં આગળ https ન હોય તો આવી વેબસાઇટ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આવી વેબસાઇટ્સ નકલી હોઈ શકે છે અને તમારા ક્રેડિટ / ડેબિટ કાર્ડ અથવા બેંક ખાતાથી સંબંધિત વ્યક્તિગત માહિતીની ચોરી થઈ શકે છે.
ઇ પેમેન્ટ કરનાર બને છે ભોગ
નકલી વેબસાઇટ પરથી સામાન ખરીદી ઈ પેમેન્ટ કરી દે છે. પરંતુ જ્યારે કુરિયરમાં ઓર્ડર કરેલી વસ્તુની જગ્યાએ કંપની ઇંટ, પથ્થર કે સાબુ મોકલે છે ત્યારે માથે હાથ રાખી રોવાનો વારો આવે છે. સાયબર સેલમાં મોટાભાગની છેતરપિંડીની ફરિયાદોમાં ઇ પેમેન્ટ કરનારાઓની પણ કેટલીક ફરિયાદો આવી હતી. આવું ન થાય તે માટે જરૂરી છે કે તમે ડિલિવરીમેનની સામે પેકિંગ બોક્સ ખોલો અને તેનો વીડિઓ પણ બનાવો. ડિલીવરી મેનને ત્યારે જ જવા દો જ્યારે તમે મંગાવેલી વસ્તુ બરાબર નીકળે.