એકલતાથી પીડાતા લોકોને લાગી જાય છે Dating APPની લત
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2019, બુધવાર
ડેટિંગ એપની લત જેમને લાગી હોય તેવા લોકો સામાન્ય રીતે એકલતા અનુભવતા હોય છે. આવા લોકોમાં નકારાત્મકતાના લક્ષણ પણ જોવા મળે છે. એક સંશોધન અનુસાર ડેટિંગ એપનો ઉપયોગ કરતાં લોકો ફોનનો વધારે ઉપયોગ કરતા હોય છે.
આ સંશોધનમાં એવા અનેક લોકો જોવા મળ્યા જેમને તેના કારણે શાળા, કોલેજ અને ઓફિસમાં સમસ્યા થાય છે. આ કારણે તેઓ ફોન સતત ચેક કરતા રહે છે. શોધ અનુસાર આ આદતના કારણે કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા નથી અને લોકો નોકરી પર પણ ધ્યાન આપતા નથી. આ સંશોધનમાં 269 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે એકથી વધારે ડેટિંગ એપનો ઉપયોગ કરતા હતાં.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર લોકો આ સમસ્યાના કારણે પાગલની જેમ ફોન પર એપ ચલાવે છે. તેઓ મિત્રો સાથે બહાર હોય, ભોજન કરતા હોય કે ફરવા જાય તો પણ પોતાના ફોનને વારંવાર ચેક કરતા રહે છે. પોતાના મિત્રો સાથે સમય પસાર કરવા કરતાં તેમને ફોન સ્વાઈપ કરવો વધારે ગમે છે. આ શોધમાં લોકોને એમ પણ પુછવામાં આવ્યું કે તેઓ કેટલી એકલતા અનુભવે છે કે પછી લોકો વચ્ચે રહેવાથી તેમને ગભરામણ તો નથી થતીને.
તેમને એમ પણ પુછવામાં આવ્યું કે આ ડેટિંગ એપ પર સમય પસાર કરવાનો સમય તેઓ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે લોકોને પણ ફોન પર સમય પસાર કરવાથી અનેક સમસ્યાઓ નડે છે. પરંતુ તેમના માટે ફોન છોડવો મુશ્કેલ છે. આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું કે લોકોને મળવા કરતાં તેમને ડેટિંગ પાર્ટનર સાથે ઓનલાઈન ચેટિંગ કરવામાં આનંદ આવે છે અને તે પોતાને વધારે આત્મવિશ્વાસી અનુભવે છે.
નિષ્ણાંત જણાવ્યાનુસાર લોકોએ સમજવું જોઈએ કે જ્યારે ડેટિંગ એપનો ઉપયોગ સમસ્યા બની જાય તો તેનાથી દૂર રહેવું જોઈએ. તેનો ઉપયોગ જો બંધ કરી ન શકાય તો તેના સમયમાં ઘટાડો અવશ્ય કરવો જોઈએ. જેથી ડેટિંગ એપની લતથી છૂટકારો મળી જાય.
મોબાઈલની લત છોડાવવા માટે પોર્ટલ
ઈંટરનેટ તેમજ ઓનલાઈન ગેમની લત માનસિક બીમારીનું કારણ બને છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં તે સમસ્યા વધારે જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સંસ્થાએ એક ડિજિટલ પોર્ટલ તૈયાર કર્યું છે જેનું નામ બિહેવિયર છે. એમ્સના ડોક્ટરના જણાવ્યાનુસાર આ પોર્ટલ લોકોને ઈંટરનેટના વધારે ઉપયોગથી થતી માનસિક બીમારીઓ પ્રત્યે જાગૃત કરવામાં મદદ કરશે.