Get The App

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા 1 - image

COVID-19 Infection Can Impact Male Fertility and Children’s Mental Health : શ્વસનતંત્રને પ્રભાવિત કરનારા કોવિડ 19એ આખી દુનિયાને બાનમાં લીધી હતી. હજુ પણ એના ખરાબ પરિણામો સામે આવી રહ્યા છે. હાલમાં જ એક સંશોધનમાં જાણવા આવ્યું છે કે, કોવિડ-19 ચેપનો પ્રભાવ માત્ર રોગી વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતો, પણ તેની આગામી પેઢીમાં પણ એના પ્રતિકૂળ પરિણામો જોવા મળી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પિતાના શરીરમાંથી મળતા સ્પર્મમાં થયેલા ફેરફારોના કારણે સંતાનોમાં ચિંતા (Anxiety) અને ડર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ઉંદરો પર કરાયેલા પ્રયોગના પરિણામે ચોંકાવ્યા 

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે પુરુષોને કોવિડ 19નો ચેપ થયો હતો, તેમના સ્પર્મમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. આ અભ્યાસ હાલમાં ઉંદરો પર કરાયો છે, પરંતુ તે માનવ પર પણ લાગુ પડી શકે, એવી શક્યતા વિજ્ઞાનીઓ દર્શાવે છે. 

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા 2 - image

સ્પર્મમાં કેવો ફેરફાર થાય છે?

અભ્યાસ અનુસાર, કોવિડ-19નો વાયરસ પુરુષના શરીરમાં પ્રવેશીને સ્પર્મના માઇક્રો-આરએનએ (MicroRNA) નામના ઘટકોમાં ફેરફાર કરે છે. માઇક્રો-આરએનએ જનીનની અભિવ્યક્તિને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એ સિસ્ટમમાં ખલેલ પડે છે, ત્યારે તે ફેરફારો સ્પર્મ દ્વારા આગામી પેઢીમાં પહોંચી શકે છે. 

સંતાનોના માનસિક આરોગ્ય પર અસર

આ સંશોધનનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે, પિતાના કોવિડ ચેપની અસર તેમના સંતાનોના માનસિક આરોગ્ય પર પણ પડી શકે છે. આ પ્રયોગમાં જે ઉંદરોને કોવિડ 19નો ચેપ લાગુ પડ્યો હતો, તેના દ્વારા જન્મેલા ઉંદરોમાં ચિંતા અને ડરપોકપણું વધુ જોવા મળ્યું હતું. જ્યારે કે જે ઉંદરોને કોઈ ચેપ નહોતો લાગુ પડ્યો, એના દ્વારા જન્મેલા ઉંદરોનું વર્તન સામાન્ય હતું. તેનો અર્થ એ થયો કે, વાઇરસની અસર ફક્ત એક પેઢી સુધી સીમિત ન રહેતા આગામી પેઢીના મગજના વિકાસને પણ અસર કરી શકે છે.

સંશોધનની મર્યાદાઓ છે

એ વાત નોંધવી જરૂરી છે કે, આ અભ્યાસ હાલમાં ઉંદરો પર કરાયો છે અને માણસો પર તેના પરિણામો સમાન હશે કે નહીં તે નિશ્ચિત નથી. આમ છતાં, આ શોધ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તે કોવિડ-19ના લાંબા ગાળાના પરિણામો અને આગામી પેઢીઓ પર તેના સંભવિત અસરો દર્શાવે છે. ભવિષ્યમાં માનવ પર થયેલા આવા સંશોધનો આ વાતને વધુ પુષ્ટિ આપશે.

તસવીર : AI / ENVATO