અંબિકાનગરના પ્લોટમાં પૂર્વ કચ્છ એલ.સી.બીનો દરોડો
દારૂની ૩,૫૫૨ બોટલ અને બિયરનાં ૧૨૦ ટીન, ૬ મોબાઈલ ફોન અને સ્કૂટી સહીત ૮.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: અંજારનાં વરસામેડી અંબિકાનગર-૨માં પોલીસની આંખમાં ધૂળ નાખવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ટાંકામાં શરાબનો જથ્થો છૂપાવવાનાં પ્રયાસને પૂર્વ કચ્છ એલ.સી.બી ની ટીમે નિષ્ફળ કર્યો છે. જેમાં બાતમી આધારે પોલીસે દરોડો પાડી ટાંકામાં છૂપાવેલા ૬ જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩,૫૫૨ બોટલ અને બિયરનાં ૧૨૦ ટીન મળી ૭.૩૬ લાખનાં દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે દારૂ સાથે ૬ મોબાઈલ ફોન અને એક સ્કૂટી સહીત કુલ ૮.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અંજારનાં મેઘપર બોરીચીના પુરુષોત્તમ નગરમાં રહેતા નિલેશ ઊર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી)એ વરસામેડીના અંબિકાનગર-રમાં આવેલા તેના માલિકીના પ્લોટ પર ઓરડી સાથે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવેલો છે. જેમાં તે વેચાણ અર્થે દારૂનો જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે મોડી રાત્રે અહીં દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે સ્થળ પર નિલેશ ઊર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી) સાથે દિપક કાન્તિલાલ ઠક્કર (રહે. વિજયનગર, અંજાર), મંગલ વિક્રમસિંગ નાયક (રહે. મૂળ યુપી, હાલ. અંબિકાનગર) અને રમેશકુમાર ચૌધરી (બાડમેર, રાજસ્થાન)ને ઓરડીના આગળના ભાગે કાળી ભુસી નીચે દબાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવેલા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ ૩,૫૫૨ બોટલ અને બિયરનાં ૧૨૦ ટીન જેની કુલ કિમત રૂ. ૭,૩૫,૮૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે તેમના પાસે ૬ મોબાઈલ ફોન અને સ્કૂટી સહિત કુલ રૂ. ૮,૫૧,૮૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં શરાબનો જથ્થો રાજસ્થાનના સાંચોરના અંકિત ચૌધરી પાસેથી મંગાવ્યો હોવાનું નિલેશે કબૂલ્યું છે. જેથી પોલીસે તમામ પાંચ શખ્સો સામે પ્રોહિબિશનની અલગ અલગ ધારાઓ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


