FOLLOW US

કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

- આહિરપટ્ટી, પાવરપટ્ટીના ગામો ઉપરાંત મુંદરા, માંડવી, અંજાર અને નખત્રાણા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થવાની આશંકા

Updated: Mar 18th, 2023

ભુજ,શુક્રવાર

હવામાન ખાતાની આગાહી વચ્ચે કચ્છમાં પણ સોમવારે બપોર બાદ  વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કચ્છના અનેક વિસ્તારોમાં બરફના કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી  ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  ગ્રામિણ વિસ્તારોમાં કમોસમી વરસાદાથી ખેતીમા ભારે નુકસાનની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી. અનેક વિસ્તારોમાં મોટા મોટા કરા પડવાથી બરફની  સફેદ ચાદર છવાઈ  હતી. ભુજમાં બપોર બાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકાના આહિરપટ્ટી, પાવરપટ્ટીના ગામો ઉપરાંત મુંદરા, માંડવી, અંજાર અને નખત્રાણા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારાથી જ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગોરંભાયેલુ રહ્યું હતુ. અને બપોર બાદ વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળાધાર વરસાદ ખાબક્યો હતો. જેમાં કરા સાથે વરસાદ આવતા ઘઉં, જીરુ ચણા અને રાયડા સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થતાં ધરતીપુત્રોને ઉનાળાની શરૃઆતમાં જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. કરા સાથે વરસાદ ખાબકતા પાકમાં મોટુ નુકસાન જતાં ખેડૂતોને આાથક નુકસાન ઉઠાવવાની નોબત આવી પડી હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ કમોસમી વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી વહેતા થયાં હતાં. તેમજ રસ્તા પર પાણીનાં ખાબોચ્યા ભરાઈ ગયા હતાં.

ગ્રામિણ વિસ્તારોમાં ઘટાટોપ વાદળો ધસી આવતાં અને ગણતરીની મિનિટોમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથેનો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઠેક-ઠેકાણે ચિઅણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  આજે ભુજ શહેરમાં બપોર બાદ એકાએક ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા જેના પગલે સાંજના ભાગે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  ભુજ તાલુકાના આહિરપટ્ટી, પાવરપટ્ટી વિસ્તારના લોરીયા, સુમરાસર, ઢોરી, કુનરીયા સહિતના આસપાસના ગામોમાં પણ સાંજે ચાર વાગ્યા બાદ ભારે વીજળીના કડાકા ભડાકે વરસાદનું આગમન થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં માર્ગો પર વરસાદના પાણીની નદીઓ વહી નીકળી હતી. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તૈયાર પાક પલળી જતા ખેડૂતોએ નુકશાનની ભીતી વ્યકત કરી છે. માંડવી અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. દાડમ, કેરી સહિતના બાગાયતી પાકોને પણ નુકશાન પહોંચ્યું છે. ભુજ, માંડવી, નખત્રાણા, મુંદરા, અંજાર તેમજ અન્યત્ર તાલુકાઓમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી હતી. ગઢશીશામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. દરશડી સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ થયો હતો. નખત્રાણાના કોટડા રોહા, રામપર, નારાણપર, વમોટી મોટીમાં પણ વરસાદે ચિંતા જગાવી હતી. નખત્રાણાના અંગીયા, કુરબઈ  આસપાસના ગામોમાં પણ વરસાદ થતા ચિંતાના વાદળો ઘેરાયા હતા. માંડવી તાલુકાના ગઢશીશા ગામે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા તેમજ કરા સાથે વરસાદ ખાબકતા ગામમાં પાણી વહી નીકળ્યા હતા. બાળકોને મજા પડી ગઈ હતી જયારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ.

Gujarat
Magazines