ચાર દિન કી ચાંદની, કચ્છમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ
- ત્રણ દિવસની રાહત બાદ ફરી કોરોનાનું મીટર ચાલું, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 67 લોકો ભોગ બન્યા
- ગામડાઓ પર વધતો જતો કોરોનાનો પંજો : માંડવીના મદનપુરા તથા મુંદ્રાના દેપા ગામમાં એક-એક કેસ બહાર આવતા ગ્રામજનોમાં ફફડાટ : તંત્ર ટેસ્ટની સંખ્યા વધારશે એટલે ફરી આંકડો ઉંચકાશે
ભુજ, તા. 26 મે 2020, મંગળવાર
કચ્છમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. શહેરો કરતા ગામડાઓ તેનો વધુ ભોગ બન્યા છે. જેમ જેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ વધુને વધુ ગામડાઓ વાયરસની ઝપટે ચડી રહ્યા છે. ગામડાઓને કોરોનાથી બચાવી રાખવાની વડાપ્રધાનની વાત પર કચ્છના અધિકારીઓ સફળ રહ્યા નથી. આજે વધુ બે કેસ નોંધાયા હતા, જે પણ ગ્રામ્યકક્ષાના હોતા વધુ બે ગામમાં કોરોનાની હાજરી વધી હતી.
છેલ્લા ૩ દિવસ કોરોના કેસની ગેરહાજરી બાદ ચોથા દિવસે બે કેસ આવ્યા હોવાનું વહીવટી તંત્રે જણાવ્યું હતું. જેમાં માંડવી તાલુકાના મદનપુરાના ૪૯ વર્ષીય પુરૂષ તથા મુંદરા તાલુકાના દેપાગામના ૨૭ વર્ષીય યુવાન કોરોના વાયરસનો ભોગ બન્યા છે.
જેમાં મદનપુરાના આધેડને શંકાસ્પદ લક્ષણો જણાતા એક દિવસ પહેલા જી.કેમાં દાખલ કરાયા હતા. જેનો ટેસ્ટ કરાતા તે પોઝીટીવ આવ્યો હતો. જ્યારે દેપાનો યુવાન અન્ય રાજ્યમાંથી આવેલો હોવાથી પહેલાથી જ ક્વોરેન્ટાઈન હેઠળ હતો. આમ કચ્છમાં અત્યારસુધી પોઝીટીવ કેસની સંખ્યા ૬૭ પર પહોંચી છે. આવનારા દિવસોમાં તંત્ર શાહમૃગ વૃત્તિ છોડીને જો ફરી ટેસ્ટની સંખ્યા વધારે તો કોરોનાનો આંક વધે તેમ છે.
જાણકારોના જણાવ્યા મુજબ કચ્છ રાજ્યભરમાં કેસ મામલે અગ્ર જઈ રહયું હોવાથી સત્તાધીશોનું નાક ન કપાય તે માટે એકાએક કેસની સંખ્યા પર લગામ લગાવી દેવાઈ છે. અન્ય રાજ્યોમાં ફસાયેલા ન હોય તેવા લોક ોને પણ વતન આવવાની છુટ આપીને સરકારે લીધેલા ખોટા નિર્ણયના પરીણામ સ્વરૂપ કચ્છ જેવા કોરોના મુકત જિલ્લામાં કોરોના જેટગતિએ વધી જતાં સરકાર તથા સ્થાનિક રાજનેતાઓની લાજ રાખવા કચ્છના વહીવટીતંત્રે રણનીતી બદલી નાખી છે.