- પાલિકાના એક સાંધો તો તેર તુટે તેવી હાલત
- રાત્રે બે વાગ્યે ગટરના ગંદા પાણી ભરાયા બીજા દિવસે બપોર સુધી પાલિકાના જવાબદારો આવ્યા જ નહિં
ભુજ : ભુજ શહેરમાં ઉભરાતી ગટરોએ માઝા મુકી છે. ત્યારે સમસ્યાનો નિરાકરણ કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ નિવડી હોય તેવો ચિત્ર ઉપસી આવ્યો છે. જ્યાં એક સાંધો તો તેર તુટે તેવી હાલત પાલિકાની થઈ છે. નિચાણવાળા વિસ્તારમાં ગટરની કામગીરી માટે પાલિકા દ્વારા ખોદકામ કરી કામગીરી કરવામાં આવી પણ રાત્રે બે વાગ્યે ગટરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
ભુજના કોડકી રોડ અમન નગર વિસ્તારમાં ગટરની લાઈન બેસી જવાના કારણે જાફરશા પીરની દરગાહ વાળા વિસ્તારમાં રહેણા લોકોના ઘરો સુધી ગટરના ગંદા પાણી પહોંચ્યા હતા.છેલ્લા આઠેક દિવસથી આ ગટર લાઈન બેસી ગઈ છે પરંતુ પાલિકાએ કામગીરી રાત્રીના ભાગે કરવામાં આવ્યું હતું.રાત્રીના બે વાગ્યા થી ગટરના પાણી ફરી વળ્યા બાદ બીજા દિવસે બપોર સુધી કોઈ જ આવ્યું નહિં. બાદમાં પાલિકાના ઈન્જીનીયર સહિત સ્થાનિક નગર સેવક હાજર રહ્યા પણ હિટાચીનો ડ્રાઈવર ન હોતા કામ ખોરંભે ચડયું હતું.
નગર સેવક કાસમ સમાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભુજ શહેરમાં ઠેક ઠેકાણે ગટરની લાઈનો બેસી જતી હોય છે.ત્યારે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવાના કારણે પ્રજાજનોમાં પણ રોષ ફેલાયો છે.શા માટે નગરપાલિકા દ્વારા મોટર લગાવીને પાણી ઉલેચવાની કામગીરી નથી કરવામાં આવતી? ત્યારે નગર પાલિકા પાસે એક માત્ર કોન્ટ્રાકટર છે અને પાલિકા જાણે તેના તાબામાં હોય તેવી કામગીરી કરવામાં આવી રહી છે.પાલિકા દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે તે કોઈનો મકાન પડી જાય તેવી રીતે ખોદકામ કરાયું છે.
વાડી માંથી પસાર થતી ગટરલાઈન માંથી અવાર નવાર નિચાણ વાળા વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ જતા હોય છે. આ અંગે અવાર નવાર રજુઆત કરવામાં આવી છે ત્યારે જવાબ મળ્યો છે કે, ગટર લાઈન ડાયવર્ટ કરી રોડ પર થી લઈ લેવામાં આવશે પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પરિણામે પ્રજાજનોને ભોગવવાનો વારો આવ્યો છે.પાલિકા દ્વારા સત્વરે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


