Get The App

આજે 30 જાન્યુઆરી, 'શહીદ દિવસ'

Updated: Jan 29th, 2022

GS TEAM

Google News
Google News
આજે 30 જાન્યુઆરી, 'શહીદ દિવસ' 1 - image


- ૧૯૪૮માં નથુરામ ગોડસે દ્વારા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવામાં આવી હતી જેની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસ, ૩૦ જાન્યુઆરીને  'શહીદ દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ૨ ઓક્ટોબર, ૧૮૬૯નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા  કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા કરમચંદ ગાંધીની બદલી થતાં એમનું કુટુંબ રાજકોટ આવ્યું એટલે એમણે રાજકોટમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે એમની ઉંમર બાર વર્ષની હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવા ભાવિ સંત, સત્યનાં પૂજારી, અહિંસાનાં ઉપાસક, એક વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે.

ઇ. સ. ૧૮૮૭માં ગાંધીજીએ મેટ્રીક પરીક્ષા પાસ કરી અને ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પણ અહીં એમને ફાવ્યું નહીં, ત્યાર બાદ ગાંધીજી વિલાયત વકીલાત ભણવા માટે ગયા, અહીં એમને ઘણી તકલીફ પડવા લાગી, અંગ્રેજીમાં બરાબર બોલતા એમને આવડતું નહોતું, જમવાની પણ મોટી સમસ્યા હતી. માંસાહાર નહીં કરું એવી પ્રતિજ્ઞાા લીધેલ હતી. તેમને ત્યાં  શાકાહારી ભોજન શોધવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. છેવટે એમણે એક ફેરીંગન્દન સ્ટ્રીટમાં શાકાહારી રેસ્ટોરંટ જોયું અને ઘણા દિવસો પછી પેટ ભરીને જમવા મળ્યું. વિલાયતમાંથી ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત આવ્યા. તેઓને વિલાયત મોકલવા માટે જેમણે મદદ કરી હતી એવા મોટાભાઈ અને બાને મળવા માટે આતુર હતા. પણ બા તો અવસાન પામ્યા હતા. અહીં એમને ન ફાવ્યું એટલે તેઓ પાછા દક્ષિણ આફ્રિકા ગયા અને રંગભેદની નીતિનો વિરોધ કરતા અંદોલનો કર્યા. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું.

ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી, પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીજીને ભારતનાં સ્વાતંર્ત્ય સંગ્રામનાં મહાનાયક બનાવી દીધા હતા. ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, દાંડીકુચ, અસહકારની લડત જેવા તમામ અહિંસક પ્રયત્નોથી ગાંધીજીએ ભારત દેશને આઝાદ કરાવ્યો. તેઓ કાયમ સત્ય અને અહિંસાનાં પથ પર જ ચાલ્યા હતાં. તે કહેતા કે સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું, સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મુકે ત્યાં સુધી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવ સિધ્ધ વાત છે. ભારતનાં સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ મહાત્મા ગાંધીજીની હત્યા ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે પ્રાર્થના દરમિયાન બિરલા હાઉસમાં નાથૂરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. તે સમયે તેઓ ૭૮ વર્ષના હતા.

ગાંધીજી ભારતનાં એક ધર્મનિરપેક્ષ અને એક અહિંસક રાષ્ટ્ર બનાવવાનાં સમર્થક હતા, જેના માટે તેમને કેટલોય સંઘર્ષ કરવો પડયો હતો. જેમનાં નેતૃત્વમાં આઝાદીની કઠિનમાં કઠિન જીત મળી હતી, એવા રાષ્ટ્રપિતાને ગુમાવવા તે આપણા દેશ માટે સૌથી વધુ દુર્ભાગ્ય દિવસ હતો. તેમની હત્યા પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે એકત્ર થયેલ ભીડની વચ્ચે જ કરવામાં આવેલ હતી. તેમના પર થયેલ હુમલા પછી તેમને જોવા માટે આવનાર લોકોની ખૂબ જ મોટી ભીડ એકઠી થઇ હતી. ગાંધીજી એ એક મહાન વ્યક્તિત્વ હતું. જેમણે માત્ર ભારતને જ નહીં પણ દુનિયાને પણ સત્ય અને અહિંસાની ભેટ આપી એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

Tags :