ભુજ, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર
ભુજની જનરલ હોસ્પિટલમાં ત્રણ દિવસની નવજાત બાળકીમાં લોહીની વિસંગતતાના કારણે કાર્નિકટેરસ (મગજનો કમળો) તેમજ કિડની ઉપર ગંભીર અસર થઈ ગઈ હોવાથી બાળકીને પેરી ટોનીયલ ડાયાલિસીસ અને એક્ષચેન્જ ટ્રાન્સક્યુસન (લોહીને બદલવાની પ્રક્રીયા) કરીને સતત ૧૩ દિવસની જહેમતને અંતે બાળકને નવજીવન પ્રદાન કરાયું હતું.
નવજાત બાળકીને પ્રથમ ગાંધીધામની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ, તેને લોહીમાં ઉત્પન્ન થયેલી જટિલતાને કારણે અચાનક શરીરમાં કમળાનું પ્રમાણ ૨૨ જેટલું થઈ જતાં મગજ પર ખેંચ ચાલી થઈ ગઈ હતી. બાળકની કિડનીને પણ ખુબ નુકશાન થયું હતું. ત્યારે બાળકીને ભુજની જનરલ હોસ્પિટલમાં લવાઈ હતી. ત્રણ દિવસના નવજાત શિશુને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું. બાળકને શ્વાસમાં પણ તકલીફ હોવાથી શ્વાસના વેન્ટીલેટરમાં મુકવામાં આવ્યું. ત્યારબાદ ડાયાલીસિસ અને લોહી બદલવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.
સારવાર અસરકારક નીવડતા ધીમે ધીમે બાળકના શરીરમાં કમળાનું પ્રમાણ અને કિડની પરની અસર ઓછી થવા લાગી. ખેંચ અને શ્વાસની તકલીફ ધટતા બાળકને વેન્ટીલેટર પરથી સાદા ઓક્સીજન પર લેવામાંઆવ્યું. ત્યારબાદ શિશુને ધીમે ધીમે માતાનું ધાવાણ ચાલુ કરવામાં આવ્યું હતું. જટિલ સારવાર બાદ બાળકીને સફળતાપૂર્વક રજા આપવામાં આવી હતી.


