ભુજ, તા. 26 જુલાઇ 2019,શુક્રવાર
કચ્છમાં આવેલા ઘોરાડ અભયારણ્યમાં હાલે એકપણ ઘોરાડા બચ્યું નથી. અંતિમ નરઘોરાડ છેલ્લા કેટલાક સમયથી ગાયબ થઈ ગયા બાદ સરકારની બેદરકારી અને બેજવાબદારી પુર્વકની કામગીરી સામે જાગૃતો દ્વારા અંતે સુપ્રિમકોર્ટમાં પીટીશન કરાતા કોર્ટની ફટકાર બાદ આખરે સરકાર કચ્છમાં ઘોરાડ બ્રીડિંગ સેન્ટર સ્થાપવા દોડતી થઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વનતંત્ર હવે સક્રીય બન્યું છે. અંતિમ ઘોરાડ પલાયન થઈ ગયા તેને શોધવાની માથામણ એળે જતાં હવે કચ્છનું વનતંત્ર અન્ય સ્થળેાથી નર ઘોરાડ લાવીને અભયારણ્યમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં કામગીરી કરવા તાથા બ્રીડીંગ સેન્ટર અંગે જાણકારી મેળવવા પુર્વ વનવિભાગના ડીએફઓને તાજેતરમાં સરકારે રાજસ્થાન મોકલ્યા હતા. જેથી ત્યાં ચાલતા બ્રીડીંગ સેન્ટરની માહિતી અને કામગીરીથી અવગત થઈને કચ્છમાં આ અંગે સેન્ટર બનાવી શકાય.
આ મુલાકાત બાદ રાજ્ય સરકાર કચ્છમાં ઘોરાડના ઈંડાનું સંવર્ધન કરવા સેન્ટર બનાવવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ઘોરાડ હાલે વિશ્વમાં ભારતમાં જ જોવા મળે છે. જેમાં કચ્છ, રાજસ્થાન સહિતના સ્થળે આ પક્ષી મળી આવે છે. આ પક્ષીના રક્ષણ માટે કચ્છમાં ઘોરાડ અભયારણ્ય પણ બનાવાયુું છે પરંતુ ગંભીરરૂપે સરકારે ઘોરાડના સંવર્ધન અને રક્ષણ માટે કયારેય ચિંતા જ કરી નથી. અભયારણ્ય જાહેર કરી દઈને સંતોષ માની લેતા કચ્છમાં બચેલા તમામ ઘોરાડ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. પરિસ્થીતી એ બની છે કે, માત્ર અભયારણ્ય બચ્યું છે તેમાં ઘોરાડનું નામોનિશાન નથી.


