ભુજની શાન એવા ભુજીયા ડુંગરનો મુખ્ય કિલ્લા વાળો ભાગ પણ ઝંખે છે વિકાસ
ભુજંગ દેવના મેળા સિવાય સુમસામ ભાસતો
ભુજીયાના કિલ્લા સુધી જવાનો માર્ગ બનાવાય અને વ્યવસ્થા વધારાય તો પ્રવાસી વર્ગ માટે આકર્ષણ વધે
ભુજ: કચ્છ જીલ્લાના પાટનગર ભુજ શહેરની શાન ગણાતા ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવન બનાવવામાં આવતા પ્રવાસી વર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ભુજીયાની બીજીબાજુ સુમસામ ભાસી રહી છે. કેમકે, આ બાજુ વિકાસનો અભાવ દેખાઈ રહ્યો છે. જે બાજુ શીલ્પ સ્થાપત્યનો ઉત્તમ નમુનેદાર કિલ્લો તેમજ નાના મોટા મંદિરો આવેલા છે તે બાજુ જ વિકાસનો અભાવ દેખાઈ રહ્યો છે.
કચ્છમાં આવેલા ગોઝારા ભુકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં ભુજીયા ડુંગરની એકબાજુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રવાસીઓને ભુકંપની અનુભુતી કરાવવા સાથે ઓડીયો વિઝ્યુઅલ અને લાઈટીંગ ટેકનિકના ઉપયોગ સાથે સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.ભુકંપ સમયની કંપારીના દ્રશ્યો સાથે કંપનના અનુભવો કરાવતું આ સ્મૃતિવન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભુકંપ પછી અહીં બનાવવામાં આવેલા સ્મૃતિવન ખાતે દેશભર માંથી પ્રવાસીઓ આવે છે. તે સિવાય ભુજના સ્થાનિક લોકો પણ સવારે વોકિંગ કરવા માટે આવતા હોય છે.
ભુજીયા ડુંગરની બીજીબાજુની વાત કરવામાં આવે તો અહિં રાજાશાહીના સમયમાં બનાવાયેલ ે કિલ્લો આવેલો છે. આ કિલ્લો અતિ પ્રાચીન ઐતિહાસિક બાંધકામ અને સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે. અહિં ભુજંગદેવનો મંદિર સિવાય અનેક નાના મોટા મંદિરો પણ આવેલા છે. ભુકંપમાં આ કિલ્લાને ખાસ્સું એવું નુકશાન થયું હતું. અહિં આવવા જવા માટે પાક્કો રોડ પણ નથી. ધુળીયા માર્ગ સાથે ગાંડા બાવળની ઝાડીઓ નજરે ચડે છે. લોકો અહિં ફરવા આવે તો પણ કશું જોવા લાયક છે જ નહિં. ડુંગર ઉપર ચડવા માટેના પગથીયા પણ ક્યાંક ક્યાંક જર્જરીત હાલતમાં છે.જો કોઈ પ્રવાસીઓ આ પગથીયા પર થી ડુંગર પર ચડે તો પડી જવાનો ભય સતાવતો હોય છે.
રાજાશાહીના સમયનો કિલ્લો એક સમયે આર્મીના કબ્જામાં રહેલો હતો અને જ્યારે ભુજંગ દેવનો મેળો ભરાય ત્યારે ભુજના લોકો ભુજંગદેવ તેમજ અન્ય મંદિરે દર્શન કરવા જતા હતા. કચ્છમાં આવેલા ભુકંપબાદ થોડા વર્ષોમાં આર્મીએ કબ્જો છોડી દઈ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.ભુજીયા ડુંગરની બીજીબાજુ જ્યાં આ મુખ્ય કિલ્લો અને ભુજંગ દેવના મંદિર આવેલા છે તે બાજુ વિકાસ થી વંચિત છે. જે રીતે ટપકેશ્વરી વિસ્તારને હેરીટેજ સાઈટ ઘોષીત કરવામાં આવી તે જ રીતે જો ભુજીયા ડુંગરના કિલ્લા વાળી સાઈટને હેરીટેજ સાઈટ ઘોષીત કરવામાં આવે અને રાજાશાહીના સમયના બાંધકામ, કિલ્લાનો રીનોવેશન કરવામાં આવે સાથે યોગ્ય રીતે માર્ગ, બગીચા અને સરોવર બનાવવામાં આવે તો આ બાજુ પણ પ્રવાસી વર્ગ આવે અને ભુજીયાની સુંદરતામાં વધારો થાય તેમ છે.