સૌથી ઉંચા કાળા ડુંગર પર બિરાજીને કચ્છના રખોપા કરતા દત્તાત્રેય મહારાજ
- આજે ગુરૃ દત્તાત્રેય જયંતી, ઠેર ઠેર કરાશે ઉજવણી
- કચ્છ-સિંધ વચ્ચે આવ જાવ કરતા લોકો કાળા ડુંગર પર દતાત્રેયની આજ્ઞાા લઈ પ્રસાદ ધરાવીને જતા અને પાછા વળતા ત્યારે અહીં પેડી ચડાવતા હતા
ભુજ, તા. 21 ડિસેમ્બર 2018, શુક્રવાર
આવતીકાલે માગસર સુદ પૂર્ણિમા એટલે કે ભગવાન ગુરૃ દતાત્રેયની જયંતિ. દતાત્રેય ભગવાનને શ્રી વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ગુરૃ દતાત્રેયનો મહિમા અનેરો છે. આવતીકાલે ગુરૃ દતાત્રેયની જયંતિની તેમના પાવન સ્થળોએ ઉજવણી કરવામાં આવશે ત્યારે કચ્છમાં સરહદી રણકાંધીએ આવેલા કાળા ડુંગરે પણ ભગવાન દતાત્રેયના બેસણા છે. આવતીકાલે અહિં પણ ગુરૃ દત જયંતિની ઉજવણી કરાશે. આ ધાર્મિક સ્થળ હવે પર્યટકોમાં પ્રિય બની ગયો છે. એટલે, દિવાળી પછી ભગવાન દતાત્રેયના જયાં બેસણા છે તેવા કાળા ડુંગરે હજારો પ્રવાસીઓ આવતા હોય છે.
કચ્છના ઉતર ભાગમાં આવેલ કચ્છના મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફુટ કાળો ડુંગર દતાત્રેય ભગવાનનું સ્થાન છે. દત શિખર તરીકે ઓળખાતી ટોચ પર વિશાળ સપાટ જગ્યામાં મંદિર છે. કચ્છની ડુંગરની ત્રણ ધાર પર માંહેલી ઉતર ધાર પર કાળો ડુંગર સ્થિત છે. મૂળ અરવલ્લી કુળનું આ પર્વત જુરાસીક પીરીયડનું છે એટલે કે સાડા છ કરોડ વર્ષ પ્રાચીન છે અને એટલા જ માટે તેની ટોચ ઉપરના પથ્થરો વચ્ચે લાકડાના તથા દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. કહેવાતો આ કાળો પરંતુ ઉપર જતા જ લાગે આ કાળો નથી. આ સ્થાન ઉંચો હોવાથી ભારત-પાક બોર્ડર પ્રવાસી દુરથી જોઈ શકે છે. સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે. વળી, આકાશ દર્શન માણવા જેવો છે.
અહિં, ગુરૃ દતાત્રેયના મંદિરે સવાર સાંજ આરતી બાદ જંગલના શિયાળોને 'લોંગ લોંગ' કહીને પુજારી બોલાવે છે અને દુર ઓટલા પર પ્રસાદી ધરવામાં આવે છે જયાં જંગલમાંથી આવીને શિયાળો પ્રસાદ આરોગી જાય છે. આ 'લોંગ'(શિયાળ)ને ગુરૃ દતાત્રેયનું સ્વરૃપ માનીને યાત્રીઓ,મુલાકાતીઓ,પ્રવાસીઓ ખાસ એકઠા થાય છે. કચ્છ સ્વતંત્ર રાજ હોવાના સમયે કચ્છ લોકોનો વ્યવહાર સિંધ સાથે હતો ત્યારે કચ્છ-સિંધ વચ્ચે આવ જાવ કરતા લોકો કાળો ડુંગર પર દતાત્રેયની આજ્ઞાા લઈ પ્રસાદ ધરાવીને જતા અને પાછા વળતા ત્યારે અહીં પેડી ચડાવતા હતા. આમ, આ કાળા ડુંગરે પણ આવતીકાલે ધામધુમથી ઉજવણી કરાશે.