Get The App

કંડલા બંદરે 4 નંબરનું સિગ્નલ : ચક્રવાતને લઈને ચેતવણીઓ જાહેર

Updated: Jun 12th, 2023

GS TEAM

Google News
Google News
કંડલા બંદરે 4 નંબરનું સિગ્નલ : ચક્રવાતને લઈને ચેતવણીઓ જાહેર 1 - image

પોર્ટ પ્રશાસન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક 

ભુજ: સંભવત કચ્છમાં વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના વહીવટી તંત્રે તકેદારીના ભાગરૂપે પગલા લેવાનું શરૂ કરી દીધું છે. તે વચ્ચે આજે કંડલા બંદરે ૪ નંબરનું સિગનલ લગાવાયું હતુ. પોર્ટ પ્રશાસન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક યોજવામાં આવી હતી. ચેરમેને બેઠક યોજીને જરૂરી ચર્ચા પરામર્શ કર્યા હતા. સતત મોનીટરીંગ શરૂ કરી દેવાયું છે. પોર્ટ હસ્તકના ટગ બાર્જીસ બોટને ડબલ રસ્સાઓથી બાંધી દેવાયા છે. ચેનલ જેટીને ઓછું નુકશાન થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ગત રોજ કંડલા બંદરે ૧૭ વેશલ્સ હતા ત્યારે ગત રોજ ૪ અને આજે ૨ ડિસ્ચાર્જ કરાતા હવે ૧૧ જહાજો લાંગરેલા છે. તમામને ગલ્ફ ઓફ કચ્છ છોડવાની સુચના આપવામાં આવી છે. બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તો સ્થળાંતર કરવાની ફરજ પડશે તો ડીપીએ દ્વારા સેલ્ટર હોમ તૈયાર રખાયા છે. ડીપીએ કંડલાના ચેરમેન એસ.કે.મહેતાએ બેઠક યોજીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા જરૂરી સુચનાઓ પુરી પાડી હતી. પોર્ટમાં ચક્રવાતને લઈને ચેતવણીઓ  જાહેર કરાઈ છે. વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તો સલામતીના કારણોસર જહાજોને નો એન્ટ્રી સાથે શીપ મુવમેન્ટ પર બ્રેક લગાડાઈ છે. લાંગરેલા જહાજોને ઓટીબી તરફ જવાના આદેશો કરવામાં આવ્યા છે. તમામ જહાજોને વીએચએફથી ભાવિ સુચનાઓથી વાકેફ કરવાની તાકિદ કરાઈ છે. 

૬૦થી વધુ ઝુંપડાઓને તટીય વિસ્તારથી દુર કરવાની સુચનાઓ

વાવાઝોડાનું સંકટ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કંડલા કસ્ટમ હાઉસ પાછળના ૬૦થી વધુ ઝુંપડાઓને તટીય વિસ્તારથી દુર કરવાની સુચનાઓ આપવામાં આવી છે.સ્વયંભુ લોકો અહિંથી સ્થળાંતર કરે તો તેમના માટે પણ બસની વ્યવસ્થા કરાશે. 

ભદ્રેશ્વર અને રંગબેવડી બંદર ખાલી કરાવાયા

વાવાઝોડુ ત્રાટકે તે પહેલા સર્તકતાના ભાગરૂપે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે મુંદરા તાલુકાના ભદ્રેશ્વર અને રંગબેવડી બંદર ખાલી કરાવી દેવાયા છે. અહિં માછીમારોએ સલામતી સાથે પોતાની બોટો લાંગરી દીધી છે. આજે બંદર ખાલી કરાવાતા સુમસામ ભાસી રહ્યું હતુ.