ભુજ સ્વામિનારાયણ મંદિરે પરિસરમાં જ રથયાત્રા યોજી
- ભુજ તેમજ ચોવીસીના ભક્તોએ રથયાત્રાના દર્શનનો લીધો લાભ
- મંદિરમાં બિરાજમાન તમામ દેવો પાસે જાંબુ ઉત્સવ ઉજવવામાં આવ્યો
ભુજ, તા. 23 જૂન 2020, મંગળવાર
કોરોના મહામારીના કારણે ભુજ ખાતે નુતન સ્વામિનારાયણ મંદિર દ્વારા અત્યંત સાદાઈથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિ અનુસાર રથયાત્રા મંદિરેના પરિસરમાં જ વિહાર કર્યો હતો. જેમાં સંતો તથા મર્યાદિત ભક્તો જોડાયા હતા.
સરકારની ગાઈડલાઈનનુ પાલન કરતા આ વર્ષે મંદિરના પરિસરમાં જ રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ પુર્વે રથ તેમજ તેમાં બિરાજમાન દેવોનો પુજન ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી તથા અન્ય વરિષ્ઠ સંતોના હસ્તે કરાયું હતું. ત્યારબાદ મંદિરના સંતો, ટ્રસ્ટીઓ તેમજ સાંખ્યયોગી બાઈઓએ તબક્કાવાર પ્રારંભ કર્યો હતો. મંદિરમાં બિરાજમાન તમામ દેવો પાસે જાંબુ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારીને નજર સમક્ષ રાખીને સમય મર્યાદા દરમિયાન ભુજ તેમજ ચોવીસીના હરિભક્તોએ આ રથયાત્રાના દર્શન કરી લાભ લીધો હતો.
વિશેષમાં જગન્નનાથ યાત્રાનું મહત્વ સમજાવતા મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન જ્યારે આજથી ૨૦૦ વર્ષ પુર્વે ભારતભૂમિ પર સ્વામિનારાયણ રૂપે પધાર્યા ત્યારે અગિયાર વર્ષની કિશોર વયે તીર્થાટન દરમિયાન નીલકંઠવર્ણી વેશમાં જગન્નાથપુરીમાં પધાર્યા હતા. સંકલ્પ માત્રથી ધર્મના ઓછાયા તળે અનાચારમાં પ્રવૃત વિકૃત માનસિકતા ધરાવનારા હજારોનો લોકોના મનને નિર્મળ કર્યું હતું આ સમય દરમિયાન જગન્નાથ૫ુરીના રાજાએ વર્ણવેશમાં રહેલા ભગવાનને ઓળખી લીધા . રાજાએ શ્રી હરીને આગ્રહ કરી અષાઢી- ૨ સુધી રોકાઈ જઈ ઉત્સવમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
ભક્તિરૂપી દોરાથી બંધાયેલા ભગવાન ત્યાં વધુ સમય રોકાયા. અષાઢી બીજના દિવસે રથયાત્રામાં વર્ણવેશમાં રહેલા પરાત્પર પુરૂષોત્તમ નારાયણને રાજાએ જગન્નાથ ભગવાનના રથમાં આગળ બેસાડયા. ત્યારથી આ રથયાત્રા જગન્નાથપુરી તેમન ભારત દેશના જુદા જુદા પ્રાંતોમાં અષાઢી બીજના દિવસે આ યાત્રા ઉજવવામાં આવે છે. રથયાત્રાને સફળ બનાવવા કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળ તથા મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.