રાપર પંથકમાં દોઢ ઈંચ સુધી વરસાદ
અસહ્ય ગરમી અને ઉકળાટની અનુભૂતિ વચ્ચે
ભુજ, શુક્રવાર
જુલાઈના અંતિમ દિવસે અસહૃ ઉકળાટ અને ગરમી અનુભવાઈ હતી. હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી વચ્ચે ગાજવીજ સાથે રાપરમાં અડાધો ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જિલ્લામાં અન્યત્ર આકરી ગરમી અને બફારાની અનુભૂતિ થઈ હતી. રાપરમાં અસહૃ બફારાના માહોલ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોરના દોઢ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે મેઘરાજાએ મહેર કરી હતી. રાપર શહેરમાં અડાધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેના કારણે શહેરના માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. રાપર ઉપરાંત કલ્યાણપર, નંદાસર, ત્રંબૌ, વલ્લભપર, કિડીયાનગર, સલારી, પ્રાગપર, ડાભુંડા, નિલપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડયા હતા. અંદાજે એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ચોમાસુ પાકના મગ, બાજરી, જુવાર, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને વરસાદની જરૃરિયાત ઉભી થઈ હતી. જે વરસાદ થતા પાકને જીવતદાન મળ્યું હતું. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.