પાંજરાપોળ સામે બાવળની ઝાડીમાં પુજનની 'ફરતી ક્લબ' પર દરોડો
સ્થળ પરથી ૧૫ મોબાઇલ, ૧૧ ટુવ્હીલર, ૬ ફોરવ્હીલર,એક રિક્ષા મળી ૪૧.૭૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો
ભુજ: શ્રાવણ માસમાં શરૂ થતાની સાથે ઠેરઠેર જુગારના પડ મંડાઇ રહ્યા છે. પ્રતિદીન પોલીસ જુગારીઓને પકડી રહી છે. તે વચ્ચે બી ડિવિઝન પોલીસની હદમાં ભુજ તાલુકાના નાગોર ગામ તરફ જતા રોડ પર ભુજના અઠંગ જુગારી પુજન ગીરીશભાઇ ગોરની ફરતી મોટી જુગાર ક્લબ પર બુધવારે રાત્રે એ ડિવિઝન પોલીસની ટીમે એસપીના આદેશથી દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન સંચાલક સહિત ૧૮ ખેલીઓ પોલીસની ઝપેટમાં આવી ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૫,૨૩,૫૦૦ તેમજ ૧.૫૯ લાખના ૧૫ મોબાઇલ, ૩.૬૦ લાખના ૧૧ ટુવ્હીલર અને ૩૧ લાખની ૬ ફોર વ્હીલર,એક ૩૦ હજારની રિક્ષા સહિત રૂપિયા ૪૧,૭૨,૫૦૦ના મુદમાલ સાથે જુગારીઓને ઝપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ આરટીઓ રિલોકેશન સાઇડ પર રહેતા પુજન ગીરીશભાઇ ગોર બહારથી ખેલીઓને બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમાડે છે તેવી બાતમી પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસ.પી. સાગર બાગમારને મળતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.સી.ગોહિલને વાકેફ કર્યા હતા. જેને પગલે એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસની ટીમે બુધવારે રાત્રે નાગોર રોડ પરના પાંજરાપોળ પાછળ બાવળોની ઝાડીઓ રેડ પાડી હતી. જ્યાં ધાણીપાસા વડે જુગાર રમતા કાસમ જુમા કેવર, પ્રેમલ કિરણભાઇ શાહ, અંજારના સીનુગ્રાના હાજી નુરમામદ ગંઢ, ભુજના દિપ શાંતિલાલ વ્યાસ, સલીમ ઉર્ફે બુધો જુસબ મોખા, અબ્દુલ લતિફ મેમણ, પુંજન ગીરીશભાઇ ગોર, મામદ હુસૈન જુણેજા, ઇમરાન અબ્દુલકરીમ નાઇયા, મીત કાંતિલાલ ઠકકર, જયેશ કરસનજી વ્યાસ, હિરેન દિનેશભાઈ ઠકકર, હનિફ સુલેમાન પારા, હલીમાબાઇ હસમુખભાઇ ગોર, સલીમાબાઇ સલેમાન ગંઢ, સંદીપ રમણલાલ શાહ, રજાક મામદ જુણેજા, હિરેન શાંતિલાલ ગોર નામના ૧૮ ખેલીઓ પકડી પાડીને તેમની પાસેથી રૂપિયા ૫,૨૩,૫૦૦, ૧૫ મોબાઇલ, ૧૧ ટુ વ્હીલર, ૬ ફોરવ્હીલર અને એક રિક્ષા સહિત રૂપિયા ૪૧,૭૨,૫૦૦નો મુદામાલ કબજે કરી તમામ સામે જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધ્યો હતો.


