કચ્છના 194 કરોડના ડ્રગ્સ પ્રકરણથી લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં
સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ અને મુસેવાલાની હત્યાના બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર કચ્છથી પકડાયા હતા
ભુજ: મુંબઈમાં એન.સી.પી.(અજિત જૂથ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધા બાદ લોરેન્સ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ત્યારે, અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર દીવાલ પર ફાયરીંગ ઘટના હોય કે કરોડોનું ડ્રગ્સ પ્રકરણ કે પછી પંજાબના સિંગર સિધ્ધુ મુસાવાલાની હત્યા, આ તમામ ચર્ચાસ્પદ પ્રકરણમાં જેની સંડોવણી ખુલ્લી છે તેવા લોરેન્સ ગેંગના સભ્યો કચ્છમાંથી પકડાયા છે. એનસીપી નેતા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ કનેકશન બાદ ફરી એક વખત કચ્છ પોલીસ સર્તક બની છે. દેશભરમાં ચર્ચા જગાવનારી ઘટનાઓમાં સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરનારાઓ આરોપીઓ માતાના મઢથી પકડાયા હતા જયારે સિધ્ધુ મુસેવાલાની હત્યાના આરોપીઓ પણ કચ્છથી પકડાયા હતા. જયારે ડ્રગ્સ પ્રકરણમાં પણ લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં ત્રણ વખત રજૂ કરવામાં આવ્યો હતો.
વર્ષ- ૨૦૨૩માં ગુજરાત એટીએસની ટીમે કચ્છના જખૌ દરિયામાંથી પાકિસ્તાની બોટ આંતરીને તેમાંથી ૧૯૪ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. જે બોટમાંથી એટીએસની ટીમે મોહમદ શફી, ઈમરાન, મોહસીન, જહુર, સોહેલ અને કામરાનને પકડી પાડયા હતા. આ શખ્શોની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, કરોડો રૂપિયાનો આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી ભરાવ્યો હતો અને તે જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઈનવાળી બોટમાં આપવાનો હતો. કરોડો રૂપિયાના આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઈએ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપાસમાં લોરેન્સ બિશ્નોઈની સંડોવણી સામે આવ્યા બાદ તેની એટીએસ દ્વારા કસ્ટડી મેળવવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ સામે પાકિસ્તાનથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેના પર આરોપ છે. આ સમગ્ર કેસમાં લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં ત્રણ વખત રજુ કરવામાં આવ્યો હતો.
જયારે, એપ્રિલ મહિનામાં મુંબઈમાં અભિનેતા સલમાન ખાનની ઘરની દીવાલ પર ફાયરીંગ કરી નાસી છુટેલા બિશ્નોઈ ગેંગના બે સભ્યો કચ્છમાંથી પકડાયા હતા. મુંબઈમાં બાંદ્રામાં આવેલા ગેલેકસી એપાર્ટમેન્ટ સ્થિત આવેલા સલમાનખાનના ઘરની બહાર વહેલી પરોઢે બે હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જે ઘટનાની જવાબદારી પણ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હતી. ફાયરીંગની ઘટનાને અંજામ આપી હુમલાખોરો કચ્છ પહોંચી આવ્યા હતા. જો કે, બાતમીના આધારે ભુજ એલસીબીની ટીમે માતાના મઢમાંથી બંને શખ્શોની ધરપકડ કરી હતી. બિહારના ચાંપાનેરના વિકીસાહેબસાબ ગુપ્તા (ઉ.વ.૨૪) અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ((ઉ.વ.૨૧)ને માતાના મઢ મંદિર પરિસરમાંથી પકડી લેવાયા હતા. મુંબઈમાં બંને શખ્શો સીસીટીવીમાં કેદ થયા હતા, બંને શખ્શોએ કચ્છમાં આવીને વાળ દાઢી કપાવી નાખ્યા હતા.
તેવી જ રીતે, પંજાબમાં સિધ્ધુ મુસેવાલા હત્યા કાંડમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોની દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલે મુંદરાના બારોઈ રોડ પરથી ત્રણ શખ્શોને પકડી પાડયા હતા. હત્યા કાંડના શાર્પ શુટરો જયાં મુંદરામાં રોકાયા તે મકાન માલિક સામે પણ ગુનો નોંધાયો હતો.


