ઓવરલોડ ટ્રકોને ઉભી રખાવતાં ખાણ ખનીજ ફ્લાઇંગ સ્કવોડ પર હુમલો : 3 સામે ફરિયાદ

તંત્રના સમાધાનકારી વલણની ટીકા થતાં ફરિયાદ નોંધાવાઇ
ઓવરલોડ ટ્રકોને ઊભી રખાવતા ટ્રકોના માલિકો દ્વારા હુમલો કરાયાનો વિડીયો પણ વાયરલ થયો હતો
ભુજમાં ખાણ ખનિજની ફ્લાઈંગ સ્ક્વોડમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ઓઝાએ કંડલા મરીન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ રોયલ્ટી ઇન્સ્પેકટર ખુશાલી ગરવા, સર્વેયર વિક્રમસિંહ રાઠોડ અને સિક્યુરીટી ગાર્ડ યુવરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા સાથે પેટ્રોલીંગમાં હતા. એ દરમ્યાન તુણા ઝીરો પોઈન્ટથી પોર્ટ જતા રોડ પર ચાર ડમ્પરો રોકાવ્યા હતા. આ ડમ્પરોમાં બ્લેક ટ્રેપ ઓવરલોડ હોવાનું ધ્યાને આવતા વજન કરાવતા ત્યારે ડમ્પર નંબર જીજે ૩૯ ૮૨૮૩નો ચાલક ગાડી સાઈડમાં મુકી જતો રહ્યો અને થોડીવારમાં વાહન માલિક કમલેશભાઈ હડિયા (રહે.વીડી), દિનેશ રતીલાલ હડિયા (રહે.વીડી) અને આંબાપરના ચોથાભાઈ ધમાભાઈ બકોત્રા આવ્યા અને ટીમ સાથે ઝઘડો કર્યો અને સિક્યુરીટી ગાર્ડ યુવરાજસિંહ જાડેજાને માર માર્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્રણ ડમ્પર પોલીસ સ્ટેશને સીઝ કરાવી રાખ્યા હતા. બાદમાં ડમ્પરનો માલિક કમલેશ હડિયા સામેથી આવ્યો અને ખાલી હાલતમાં ડમ્પર લઈ આવ્યો હતો. જેથી આ વાહન સીઝ કરી કંડલા મરીન પોલીસ સ્ટેશને રાખી દેવામાં આવ્યું હતું. ત્રણેય સામે ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

