કચ્છમાંથી પાંચ રાજયોના ૩૦૫૭૧ પરપ્રાંતિયોની ૨૦ ટ્રેન દ્વારા વતન વાપસી
- ૧૩ રાજયોના ૪૯૬૧ શ્રમિકો ૧૮૨ બસ દ્વારા વતન રવાના
ભુજ,રવિવાર
સૌને સ્વર્ગથી પણ વધુ વ્હાલી હોય છે જન્મભૂમિ. જનતા કરફયુથી પ્રારંભ થયેલા લોકડાઉનમાં આધોગિક હબ કચ્છ જિલ્લામાં રોજીરોટી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોને વતનની યાદ આવી. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સાવચેતી અને સલામતીના ભાગરૃપે અમલી લોકડાઉનમાં જયારે રોજગારી બંધ રાખવાનો આદેશ થયો ત્યારે કચ્છ જિલ્લામાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, અસમ, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળના શ્રમિકો અને અટવાયેલા મુસાફરોની વ્હારે સરકાર આવી ગાંધીધામ, રાપર, નખત્રાણા, ભુજ, ભચાઉ, મુન્દ્રા, માંડવી વગેરે શહેરોમાં હજારો લોકો રોજીરોટી કમાઇ રહયા છે. પરપ્રાંતિય હજારો શ્રમિકોને માદરે વતન પહોંચાડવા કેન્દ્ર અને રાજય સરકારની સહયોગથી જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, આરોગ્ય તંત્ર અને પોલીસ કર્મી તેમજ મહેસુલી શાખના કર્મીઓ અને ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો પણ સક્રિય થયા. હજારો શ્રમિકો અને અટવાયેલા પરપ્રાંતિયોની આરોગ્ય ચકાસણી પ્રાથમિક જરૃરિયાતની વસ્તુઓ તેમજ ફૂટપેકેટ અને પાણી-ભોજનની વ્યવસ્થા જાણે જિલ્લામાંથી જરૃરતમંદો માટે મદદનો ધોધ વહેવા લાગ્યો હતો. ખાનગી અને સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ દ્વારા માસ્ક, પાણી, ફૂટપેકેટ, અનાજ વિતરણ, શેલ્ટર અને રીલીફ કેમ્પોમાં તેમને આશરો આપવામાં આવ્યો હતો.
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારની વખતોવખતની સૂચના અને કોરોના વાયરસ કોવીડ ૧૯ની માર્ગદશકા મુજબ જયારે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી ત્યારે બસો અને શ્રમિકો સ્પેશ્યલ ટ્રેનો દ્વારા પરપ્રાંતિયોને વતન વાપસીનું કામ તંત્રે આરંભ કર્યુ બસ દ્વારા માસ મુવમેન્ટમાં કચ્છ જિલ્લામાં ૧૩ રાજયોના ૪૯૬૧ લોકોને. કુલ ૧૮૨ બસો દ્વારા વતન વાપસી કરવામાં આવ્યા છે.
જેમાં વિગતે જોઇએ તો ઝારખંડમાં ૧૩ બસો દ્વારા ૩૯૪ મુસાફરો, ઉતરાખંડમાં ૯ બસો દ્વારા ૨૭૯ લોકો રવાના કરાયા. મધ્યપ્રદેશમાં ૬૧ બસો દ્વારા ૧૭૧૨ લોકો, મહારાષ્ટ્રમાં ૩૫ બસો દ્વારા ૭૮૯ લોકોને, છત્તીસગઢમાં ૧૪ બસોથી ૪૩૦ લોકોને, ૧ બસથી પંજાબમાં ૨૫ લોકોને તેમજ ૩ બસોને આસામ મોકલી ૭૩ જણાને વતન પહોંચાડયા. બિહારમાં ૧૫ બસો દ્વારા ૪૧૩ મુસાફરો, રાજસ્થાનમાં ૩ બસોથી ૭૮ મુસાફરો તેમજ ૪ બસોથી હરિયાણાના ૮૪ લોકોને રવાના કરવામાં આવ્યા. જયારે પશ્ચિમ બંગાળમાં ૧૩ બસો દ્વારા ૩૬૮, ઉત્તરપ્રદેશમાં ૪ બસો દ્વારા ૧૧૪ શ્રમિકોને મોકલવામાં આવ્યા. ઓરિસ્સામાં ૭ બસોથી ૨૦૨ લોકોની વતન વાપસી કરવામાં આવી છે.
શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગાંધીધામ, ભુજ, ભચાઉ વગેરે શહેરોમાંથી કુલ ૨૦ ટ્રેનો દ્વારા ૩૦૫૭૧ શ્રમિકોની વતનવાપસી કરવામાં આવી છે. કુલ પાંચ રાજયોમાં જોઇએ તો ૭ ટ્રેનો ઉતરપ્રદેશમાં ૧૦૨૫૭ લોકોને, બિહારમાં ૮ ટ્રેનો ૧૨,૫૬૯ લોકોને તેમજ ૧ ટ્રેન ઓરિસ્સામાં ૧૫૪૫ લોકોનો ૧ ટ્રેન ઝારખંડ ૧૫૮૬ તેમજ ૩ ટ્રેનો મધ્યપ્રદેશની કુલ ૪૬૧૪ લોકોને લઇ વતન પહોંચી હતી.
બસ કે ટ્રેન દ્વારા વતન પહોંચવા ઈચ્છતા આ લોકોને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આરોગ્ય ચકાસણી, તબીબી પ્રમાણપત્ર, પાસ અને પરવાનગી પત્ર ફાળવવામાં આવ્યા હતા. જેથી કોરેન્ટાઇન એરિયા કે અન્ય ઝોનમાં પ્રવેશવામાં મુસાફરોને તકલીફ ના પડે.