ભુજના મુંદ્રા રિલોકેશન સાઈટની સોસાયટીમાં મગર ઘુસી આવ્યો
- વહેલી સવારે લોકો એકત્ર થઈ ગયા
- ઉનાળાના કારણે તળાવોમાં પાણી સુકાતા જળચર પ્રાણીઓની હાલત કફોડી બની
ભુજ, સોમવાર
ઉનાળો માથે કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે તળાવો- ચેકડેમ સહીતના જળસ્ત્રોતમાં પાણી તળીયા ઝાટક થતાં જળચર પ્રાણીઓની સિૃથતી કફોડી બની છે. પાણીની શોધમાં જળચર પ્રાણીઓ અન્યત્ર પલાયન કરતા હોવાની ઘટના જોવા મળતી હોય છે. તેમાં આજે ભુજની મુંદરા રીલોકેશન સાઈટની એક સોસાયટીમાં મગર દેખા દેતા ભારે ભાગદોડ મચી ગઈ હતી.
મુંદરા રીલોકેશન સાઈટની સ્વામિનારાયણ એવન્યુ કોલોનીમાં વહેલી સવારે મગરના દર્શન થતાં લોકોમાં ભય ફેલાયો હતો. વહેલી સવારે છાપું નાખવા આવેલા ફેરીયાએ કોલોનીના પાણીના ટાંકા પાસે મગર જોતા બુમરાડ કરી હતી. જે બાદ આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા. વિશાળ મગર છેક અહીં કઈ રીતે આવ્યો તે વિચારનો મુદો બન્યો હતો. રહેવાશીઓ દ્વારા વનખાતાને જાણ કરવામાં આવતા અંતે મગરને પાંજરે પુરીને લઈ જવાયો હતો.