તહેવારો દરમ્યાન મોડી રાત્રે દુર્ઘટના બની
સંભવીત શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ફર્નિચર બળીને ભડથું થઈ જતાં ૩૫ લાખનો નુકશાન થયું હોવાનો અંદાજ
ધનતેરસના સપરમાં દિવસે ભુજની લાલટેકરીમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં આગ લાગવાની ઘટના બની હતી. સવારે ૯ સાડાનવ વચ્ચે ભુજના ફાયર સ્ટેશનને બેંક માંથી ધુમાડા નિકળતા હોવાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ભુજ ફાયર સ્ટેશનના યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે જ્યારે બેન્ક પરિસર નજીક પહોંચ્યા ત્યારે બેન્ક માંથી ધુમાડાના ગોટે ગોટા નિકળતા હતા.બેન્કના સ્ટાફને આ ઘટના અંગે જાણ કરાતા બ્રાન્ચ મેનેજર સહિત ચારેક વ્યક્તિઓ આવ્યા અને બેન્ક ખોલી હતી. વેન્ટીલેશનની સુવિધા ન હોવાના કારણે લગભગ અડધો કલાક સુધી ધુમાડાને બહાર કાઢ્યા બાદ એક હજાર લીટર પાણીનો વપરાશ કરી આગ ઓલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે બેન્ક ખુલવાના સમય પહેલા જ દુર્ઘટના થઈ હતી એટલે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કેશ કાઉન્ટર સહિતનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.
આ દુર્ઘટના અંગે લાલટેકરી બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સાશ્વત સૌરવે જણાવ્યું હતું કે, સંભવીત શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની દુર્ઘટનામાં વાયરીંગ વાળો ભાગ તેમજ કેશ કાઉન્ટર વાળો ભાગ, ફર્નિચર, કોમ્પ્યુટર સહિતના સાધનો બળીને ખાક થઈ ગયો છે. જો કે, ગ્રાહકોની રોકડ રકમ, ડોક્યુમેન્ટસ અને લોકર જેવી વસ્તુઓ સુરક્ષીત છે. એસીની તહેવારો વચ્ચે ગ્રાહકોને કોઈ હાલાકી ન થાય તે માટે આ બ્રાન્ચનું કામકાજ સેમી ફન્કશનલ રીતે સ્ટેશન રોડ ખાતેની શાખામાં કાર્યરત કરવામાં આવ્યું છે. અત્યારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તેમજ ઈન્સ્યુરન્સ કમ્પનીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી બ થી ત્રણ દિવસમાં સર્વે સહિતની કામગીરી બાદ લાલટેકરી બ્રાન્ચનું કામ પુર્વવત થાય તેવી શક્યતાઓ રહેલી છે.
તહેવારો દરમ્યાન બેન્કના ખાતાધારકોને નુકશાન ન થાય તે માટે વહેલી તકે કામગીરી પુરી કરવાની મથામણ ચાલી રહી છે. આગને કાબુ કરવાની કામગીરીમાં ભુજ ફાયર સ્ટેશનના યશપાલસિંહ વાઘેલા,જીજ્ઞોશ જેઠવા, વિશાલ ગઢવી સહિતના કર્મચારીઓ જોડાયા હતા અને આગને કાબુમાં લીધી હતી.


