Get The App

સારા વરસાદની આશા સાથે અષાઢીબીજ નવા વર્ષની ઉજવણી કરતા કચ્છીઓ

- 'ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકે તી વીજ,હાલો પાન્જે કછડે મે, આવે અષાઢી બીજ'

- કચ્છ વિસ્તારમાં વિક્રમ સંવંતની શરૂઆત આજથી એટલે કે અષાઢીબીજથી થાય છે

Updated: Jul 11th, 2021

GS TEAM

Google News
Google News
સારા વરસાદની આશા સાથે અષાઢીબીજ નવા વર્ષની ઉજવણી કરતા કચ્છીઓ 1 - image

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે.

કચ્છીઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં જ કચ્છમાં આ ઉત્સવ છેલ્લા ૯૦૦ કરતા પણ વધારે વર્ષોથી મનાવવામાં આવે છે. કચ્છ વિસ્તારમાં વિક્રમ સંવતની શરૂઆત આજથી એટલે કે અષાઢીબીજ થી થાય છે. કચ્છની સૂકી ધરતી પર વરસાદનું ખૂબ જ મહત્વ છે. તેથી ત્યાંના લોકો ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદની આશા સાથે નવા વર્ષની ઉજવણી કરે છે.

આ દિવસે નવુ વર્ષ મનાવવા પાછળ એક લોકવાયકા રહેલી છે. કહેવાય છે કે કચ્છના રાજા જામે તેમની એક રાણીના કહેવા પર પોતાના દીકરા લાખાને દેશવટો આપી દીધો હતો. લાખાના ગયા બાદ કચ્છમાંથી સુખ-શાંતિ હણાઇ ગઇ હતી અને વરસાદ તો જાણે રિસાઇ જ ગયો હતો. જામ રાજાના અન્ય કુંવરો કચ્છ માટે કંઇપણ કરવા અસમર્થ હતા. લાખાને તેના વતનની દુર્દશા જાણીને દુઃખ થયું. તે પોતાના વતન તરફ જવા નીકળ્યો. લાખો જેવો કચ્છમાં પ્રવેશ્યો કે તરત જ સમગ્ર કચ્છમાં મેઘની મહેર થઇ. લાખો જે દિવસે આવ્યો હતો તેના બીજા દિવસે અષાઢી બીજ હતી. આ દિવસે લાખાના કારણે કચ્છમાં ફરી સારા દિવસો પાછા આવ્યા હતા. તેથી તે દિવસથી કચ્છીઓ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવે છે.

નૂતન વર્ષના દિવસે કચ્છીઓ એકબીજાને મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. તેમજ વડીલોને વંદન કરી આશિર્વાદ મેળવે છે.

ભારતમાં મુખ્ય રથયાત્રા અષાઢી બીજનાં દિવસે નીકળતી જગન્નાથપુરીની રથયાત્રા છે. આ દિવસે જગન્નાથપુરી ઉપરાંત અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂતઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂતઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.

ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ધન્યતા અનુભવે છે. અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. જેની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં , અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ 'જગરનોટદ જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી આવ્યો છે. અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ ભગવાનનાં દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. અષાઢ મહિનો વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે.

Tags :