ગુંદા, કેરી, દોરા સહિતના અથાણા બનાવવાનો પ્રારંભ કરતી મહિલાઓ
- અબડાસા તાલુકામાં રાયધણજર વિસ્તારમાં
- ગ્રામ્ય વિસ્તારોમાં બજારમાંથી મળતા તૈયાર અથાણાના બદલે ઘેર બનાવેલા અથાણાનો ઉપયોગ વધારે થાય છે
ભુજ,શનિવાર
અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં ગુંદાના ઝાડ પર વિપુલ માત્રામાં ફળ લાગતા ગૃહિણીઓએ અથાણા બનાવવાની શરૃઆત કરી દીધી છે. ઉનાળો અને અથાણું એકબીજાના પર્યાય થઈ ગયા છે. આ સિઝનમાં ગૃહિણીઓ ગુંદા, કેરી, દોરા જેવા વિવિધ અથાણા બનાવીને બારેમાસ ચાલે તેટલા અથાણા બનાવે છે.
આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં બજારમાંથી મળતા ઇન્સ્ટન્ટ અથાણા ના બદલે ઘેર બનાવેલા અથાણાનો ઉપયોગ વધુ થાય છે અને વડીલોથી પરંપરાગત રીતે ચાલી આવતી આગવી ઢબ અને કરણી મુજબ સ્વાદિષ્ટ અથાણા બનાવીને પોતાનો પરિવાર તો સ્વાદ માણે જ છે. સાથે-સાથે દૂર સુદૂરના વિસ્તારમાં રહેતા પોતાના સગા સંબંધીઓને પણ અથાણા બનાવીને મોકલાવે છે. સામાન્ય રીતે હવે ગામડાઓમાં ગુંદાના ઝાડ ખૂબ જ ઓછા જોવા મળે છે. પણ જ્યાં પણ આ ઝાડ હોય ત્યાં હાલના સમયમાં તેના પર વિપુલ માત્રામાં ગુંદા જોવા મળી રહ્યા છે. ગુંદાના ફળનું કદ અને આકાર સોપારી જેવા જ હોય છે .કાચા ગુંદામાંથી અથાણા બનાવવામાં આવે છે, અને આ પાકા થઈ ગયેલા ગુંદા સ્વાદમાં મીઠા હોય છે. અને તેના સંભારિયા અને શાક પણ બનાવવામાં આવે છે. પાનનો સ્વાદ નાગરવેલના પાન જેવો જ સ્વાદ આવતો હોય છે. ગુંદાની અંદર ગુંદર જેવો ચીકણો અને મીઠો રસ હોય છે. ગુંદાનું અથાણું બનાવવામાં ખૂબ સરળ હોય છે. જે ખૂબ જ લાંબો સમય સુધી સાચવી શકાતું હોવાથી લોકોમાં ખૂબ જ પ્રિય પણ છે.