ભુજ શહેરની વીજકચેરીમાં કોરોનાને અવગણીને એકત્ર થતી ભારે ભીડ
- સામાજિક અંતરનો નિયમ સરકારી કચેરીમાં નડતો ન હોય તેવો તાલ
- નિયમોના પાલનમાં પીજીવીસીએલના અમલદારો પણ નિષ્ક્રીય
- વીજકંપનીના જવાબદારો સામે નિયમના પાલન ન કરાવવા બદલ કડક પગલા સાથે દંડ ફટકારવામાં આવે તેવી માગણી
ભુજ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
ભુજમાં ફરીને લોકોને માસ્ક ન પહેરવા તથા સામાજિક અંતર ન જાળવવા બદલ દંડ વસુલતી પોલીસ પીજીવીસીએલ કચેરીમાં જઈને અમલદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. નિયમો માત્ર ખાનગી કેમ્પસમાં જ લાગુ પડતા હોય તેમ પોલીસ દંડો પછાડતી જોવા મળે છે. જ્યારે આવા સરકાર હસ્તકના સ્થળો પર કરાતા નિયમોના ઉલ્લંઘનમાં કોઈ નજર નાખવા પણ તૈયાર નથી.
હાલે લોકોને વીજળીના બિલ મળ્યા બાદ ભરવા માટે ભુજની પીજીવીસીએલ કચેરીમાં લાંબી લાઈનો લાગી રહી છે પરંતુ બે વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર રાખીને ઉભવાના બદલે લોકો ટોળે વળીને ઉભા હોય છે. નવાઈ વચ્ચે કચેરીમાં દાખલ થતા લોકોથી લઈને બારી પાસે ભીડ કરતા લોકોને રોકવા કે નિયમનો અમલ કરાવવા પીજીવીસીએલ કચેરીનો કોઈ સ્ટાફ હાજર જ હોતો નથી. લોકો પર અધધ બિલના ભારણ નાખીને માત્ર તેને વસુલ કરવામાં જ રસ હોય તેવો તાલ પીજીવીસીએલના અમલદારોનો છે ત્યારે પોલીસ દ્વારા કચેરીના જવાબદારો સામે મહામારી વકરે તેવા પગલા લેવા બદલ કડક કાર્યવાહી અને દંડ કરાય તેવી માંગણી ઉઠી છે.
જાગૃતોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં સેનીટાઈઝર ગેટ સહીતની સેવા પીજીવીસીએલમાં મુકાઈ હતી પરંતુ ચાર દિન કી ચાંદની જેવો તાલ હાલે છે. હવે તો કોઈ પુછનારૂ પણ રહ્યું નથી. અજાગૃત્ લોકો ગમે તેમ વર્તી રહ્યા છે તો પણ કોઈ ટોકતું નથી જેથી અન્યોને પણ ચેપ લાગવાનો સતત ભય રહે છે.