કચ્છમાં એક જજ સહિત વધુ ત્રણ લોકો કોરોનાનો ભોગ બન્યા
- જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 129 સુધી પહોંચી, એક્ટીવ કેસ 29
- બદલી થતા વડોદરાથી આવેલા ન્યાયાધિશ ગાંધીધામ સર્કિટ હાઉસમાં રોકાયા હતા
- વધુ એક અબડાસાનો બીએસએફ જવાન તથા ભુજનો આર્મી જવાન પણ કોરોનાના સંકજામાં આવી ગયા
કચ્છમાં કોરોનાનો પંજો ગંભીર રીતે વિસ્તરતો જાય છે. સામાન્ય લોકો સુધી રહેલો કોરોના હવે સુરક્ષા એજન્સીઓથી લઈને કોર્ટમાં પગપેસારો કરી ચુક્યો હોય તેમ આજે બીએસએફ, આર્મી જવાનના સંક્રમિત થવા ઉપરાંત વડોદરાથી બદલી થઈને ગાંધીધામ આવેલા ન્યાયાધીશ પણ કોરોનાનો શિકાર બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તેઓને કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છમાં આજે ૩ નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૯ થઈ ગઈ છે. ૪૬ વર્ષીય કલ્પેશ કેદારનાથ ત્રીવેદીના નામના જજ વડોદરાથી બદલી થઈને ગાંધીધામ આવ્યા હતા. વડોદરાની જ્યુડિસીયલ ઓફીસર કોલોનીમાં રહેતા આ ન્યાયધીશ ગાંધીધામ આવીને સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હરીઓમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે સર્કિટ હાઉસમાં તેમના સંપર્કમાં આવનાર કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી કરાશે. તો બીજીતરફ ભુજના આર્મી કેન્ટોન્ટમેન્ટનો ૩૦ વર્ષીય શિશિર સામદ તથા અબડાસા બીએસએફનો ૩૪ વર્ષીય ધમેન્દ્ર છોટેલાલ રામ પોઝિટિવ જણાતા તેઓને જી.કેમાં ખસેડાયા છે. અત્યારે કચ્છમાં ૯૩ દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે ૭ લોકોના મોત થયા છે. તો ૨૯ એક્ટીવ કેસ છે.