કચ્છમાં એક જ દિવસમાં નવા પાંચ કેસથી ફફડાટ
- કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યા બાદ
- માંડવી શહેરમાં ૩, ગ્રામિણ વિસ્તારમાં ૧, ભુજ શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો

ભુજ,રવિવાર
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યા બાદ વિશ્વભરમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કચ્છમાં આજે રવિવારે જ કોરોનાના નવા પાંચ કેસ નોંધાતા લોકો ફફડી ઉઠયા હતા. માંડવી શહેરમાં ૩, માંડવીના ગ્રામિણ વિસ્તારમાં એક અને ભુજ શહેરમાં એક કેસ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં કોરોનાના ચાર એક્ટિવ દર્દી છે એવામાં જ ૨૪ કલાકમાં જ પાંચ નવા દર્દી નોંધાતાં તબીબી વર્તુળોમાં પણ સક્રિયતા વાધી ગઈ છે.
એક તરફ આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો બીજીતરફ શાળા કોલેજો ખુલી ગઈ છે આ વચ્ચે કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવતા લોકોમાં વધુ એક વખત ડરનો માહોલ પેદા થયો છે. કેટલાક દિવસોથી કચ્છમાં પણ કોરોનાના એકલ દોકલ કેસો નોંધાઈ રહ્યા હતા. આ વચ્ચે આજે રવિવારે પાંચ કેસો નોંધાતા જિલ્લામાં એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૯ પહોંચી ગયો છે. કુલ કેસો ૧૨૬૬૬ થયા છે. આમ, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વચ્ચે કચ્છમાં કેસોનો વાધારો થતા લોકોએ માસ્ક પહેરવા સહિત સામાજીક અંતર જાળવવા સહિતની બાબતોમાં ગંભીરતા દાખવવી પડશે અન્યાથા બેદરકારી ભારે પડી શકે તેમ છે.

