ભુજ, તા. 26 મે 2020, મંગળવાર
એસ.ટી સર્વિસ શરૂ થઈ ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈને વિવિધ નિયમોનુ ંપાલન કરાશે તેવી વાતો સરકાર તથા એસટી નિગમ દ્વારા કરાઈ હતી. પરંતુ રાબેતા મુજબ સરકારી ખાતામાં કાગળ પર ચાલતા નિયમો આ ભયંકર મહામારીમાં પણ કાગળ પર જ અમલી થતા હોય તેવું કચ્છના એસટી ડેપોના દશ્યો જોતા બહાર આવ્યું છે. બસમાં મુસાફરો ચડવાથી લઈને થર્મલ સ્ક્રીનીંગ સહીતની વાતો વાહીયાત સાબિત થઈ છે. જેને લઈને આખા જિલ્લામાં શરૂ થયેલી બસ સેવા બેદરકાર સરકારી અધિકારી અને કર્મચારીઓના પાપે કોરોના રાક્ષસને વધુ હવા આપશે તેવી ભીતી ઉભી થઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છના મોટાભાગના એસટી ડેપોમાં બસમાં મુસાફરો ચડવા થી લઈને બેસાડવા સંદર્ભે નક્કી કરાયેલા નિયમો નેવે મુકાઈ ગયા છે. મહામારી વચ્ચે રૂટ ચાલુ કરવા સમયે લોકોને જે ભીતી હતી તે સાચી પડી છે.
સરકારી વિભાગોમાં થતી કામચોરી અને લાલીયાવાડીથી લોકો પરિચિત છે એજ અનુભવ પરથી લોકોએ એસ.ટી બસ સેવા ચાલુ થઈ ત્યારે કહ્યું હતું કે, સરકાર ેજાહેર કરેલા નિયમો કાગળ પરના બની રહેશે. આ ભય સાચો પડી રહ્યો છે. જિલ્લાના અનેક મથક પર સુરક્ષાના તમામ નિયમો નેવે મુકાઈ ગયા છે. બસ આવતા જ મુસાફરો દોટ મુકીને ચડી જાય છે. જેમાં સામાજિક અંતર તો દુરની વાત પરંતુ નિયમ મુજબ તમામના હાથને સેનીટાઈઝ કરવા કે થર્મલ ચેકીંગ કરવાની બાબત અભેરાઈએ ચડી ગઈ છે. મુસાફરો ભીડ કરીને બસમાં ચડીને બેસી જાય છે.
આમ, એસ.ટી સવારી, સલામત સવારી હવે કોરોના મહામારીમાં આખા જિલ્લા માટે જોખમી સવારી પુરવાર થશે. નખત્રાણા ખાતે આવા દશ્યો સવારે જોવા મળ્યા હતા જેમાં લોકો બસમાં કોઈપણ સુરક્ષાના નિયમોના પાલન વગર ચડી ગયા હતા. થર્મલ સ્ક્રિનીંગ તથા હેન્ડવોશની જવાબદારી કંડકટરોને અપાઈ છે તેઓ ક્યાંય ડોકાણા ન હતા. આવા દશ્યો મોટાભાગના ડેપોમાં જોવા મળી રહ્યા છે . અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોએ કોરોના મહામારીને વધુ પ્રગટાવી છે ત્યારે બળતામાં ધી હોમવાનું કામ એસ.ટીની જોખમી સવારી કરશે તેવો ભય ઉભો થયો છે.


