બે-બે વખત અરજી કરાઇ છતાં પોલીસ પેટ્રોલીંગ થતું નથી
કોર્ટની સામે જ આવેલી શાળામાં સાંજ પછી પ્રવેશીને બેવડાઓની પાર્ટી ખાલી બોટલ અને બાઈટિંગના પેકેટથી વિદ્યાર્થીઓને અવળી અસર
ગાંધીધામ: અંજારની સરકારી પ્રાથમિક શાળાનું પ્રાંગણ જાણે બેવડાઓનું પાર્ટી કરવાનું સ્થળ બન્યું હતો તેવા દ્રશ્યો ઊભા થયા છે. કોર્ટ બિલ્ડીંગ સામે જ હોવા છતાં બેવડાઓને કોઈ ભય જ ન રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક સમયથી શાળામાં જ રાત પડતાં દારૂની મહેફિલ જામવા લાગી છે ત્યારે શાળાના આચાર્યએ બે વખત પોલીસને લેખિત અરજી કરી હોવા છતાં પેટ્રોલીંગ જ ન કરવામાં આવતું હોવાથી વિદ્યાનું મંદિર દારૂ પીવા માટેનું સ્થળ બની ગયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર ૧૬ના આચાર્ય મેહુલભાઈ દવેએ પોલીસને લેખિત રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, શાળા નં. ૧૬ નવી કોર્ટની બિલકૂલ સામે જ આવેલ છે. જ્યાં રાત્રીના સમયે અસામાજિક તત્વો દ્વારા અવાર નવાર દારૂનું સેવન કરી તેની ખાલી બોટલો શાળા પ્રાંગણમાં ફેંકી દેવામાં આવે છે. હજુ થોડા દિવસો પહેલા દેસી દારૂના ધંધાર્થી દ્વારા દારૂની ખાલી થેલીઓના કોથળા શાળા પાસે ફેંકી દઈ શાળા વાતાવરણને દૂષિત કર્યું હતું. જે બાબતે તા. ૮-૭-૨૦૨૪નાં પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવતા પોલીસે દારૂની થેલીઓનો નિકાલ કર્યો હતો. જે બાબતે કોઈ કાર્યવાહી ન થતાં ફરી તા.૧૮-૮-૨૦૨૪નાં શાળાના પ્રાંગણમાં દારૂની ખાલી બોટલો, પાણીની બોટલો અને સૂકા નાસ્તાના ખાલી પડીકા ઝાડના ક્યારામાં પડેલા જોવા મળ્યા હતા. એક બાજુ શિક્ષણ મંત્રાલય - દિલ્હી અને રાજય સરકારગુજરાત દ્વારા શાળા પરીસરની આસપાસ તમાકુ ગુટખાના વેચાણ પર પણ પ્રતિબંધ છે ત્યારે અહિયાં તો નસેડી તત્વો દ્વારા શાળા પ્રાંગણમાં કે જે ન્યાય મંદિરની બિલકુલ સામે આવેલ છે ત્યાં બેખોફ દારૂની મહેફિલો યોજવામાં આવી રહી છે અને શાળા પરિસરને દુષિત કરવામાં આવી રહ્યું છે. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં સીસીટીવી કેમેરા લાગેલા છે. પરંતુ જ્યાં નસેડીઓ પાર્ટી કરે છે ત્યાં આ કેમેરાની રેન્જ પહોંચતી નથી જેથી કયા લોકો આ મહેફિલ જમાવીને બેઠા છે તે જાણી શકાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા નં. ૧૬ની એકદમ સામે બીઆરસી ભવન અને તેમાં કેજીબીવી કાર્યરત છે. આ ઉપરાંત હાઇવે ક્રોસ કરી સામેની તરફ કોર્ટ બિલ્ડિંગ છે. આ તમામ સંવેદનશીલ કચેરીઓ હોવા છતાં શાળામાં દારૂની મહેફિલો જામી રહી છે અને લેખિત અરજી કરાઇ હોવા છતાં પોલીસ નથી પેટ્રોલિંગ કરતી કે નથી આરોપીઓને પકડતી ત્યારે અંજાર પોલીસની કામગીરી પ્રત્યે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.


