'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા!' કોરોનાના વધુ 21 કેસ
- જિલ્લામાં બહારથી પ્રવેશનારા ભારે પડયા, હજુ આંકડો વધશે
- અત્યાર સુધી સંક્રમણથી બચેલા નખત્રાણા અને રાપર નવા તાલુકાઓનો સમાવેશ
- કુલ કેસનો આંકડો 54 સુધી પહોંચ્યો : ભચાઉમાં 10, મુંદરામાં 4, માંડવીમાં 3, રાપરમાં 2 તથા નખત્રાણા અને ગાંધીધામ તાલુકાઓમાં 1-1 કેસ નોંધાયા
ભુજ, તા.19 મે 2020, મંગળવાર
કચ્છમાં બહારથી આવનારા જિલ્લાવાસીઓને ભારે પડી રહ્યા છે. કોરોના વાયરસનો પંજો વિસ્તરતા હવે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી સાથે ભય ફેલાયો છે. ૧૪ કેસ બાદ ગઈકાલે આવેલા ૩ કેસની ચર્ચા હજુ સમી નથી ત્યાં આજે એકસામટા ૨૧ કેસ આવી જતાં કચ્છીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા કેસમાં કોરોના સંક્રમણથી કોરા રહી ગયેલા નખત્રાણા તથા રાપર તાલુકાનો પણ હવે સમાવેશ થઈ ગયો છે. કચ્છમાં ગઈકાલ સુધીમાં કોરોનાના ૩૩ કેસ નોંધાઈ ચૂક્યા હતા. જેમાં આજના નવા કેસ ઉમેરાતા કુલ કેસનો આંકડો પ૪ સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ અન્ય રાજ્યોમાંથી આવીને ક્ચ્છમાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોના ટેસ્ટ કરવાની કામગીરી ઝડપી કરાતા રોજ રોજ નવા કોરોના કેસોનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આ વિસ્ફોટ મહા વિસ્ફોટ સુધી કચ્છને લઈ જશે તેવી આશંકા આવનારા એક માસમાં સાચી પડશે.
જાણકારોના મત મુજબ અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો કરતા પોતાના ઘર ધરાવનારા સાધન સંપન્ન લોકો કચ્છમાં આવી ચડતા આ મુશ્કેલી વધુ વકરી છે. જેને અહીં આવવાની કોઈ જરૂરીયાત ન હતી તેમ છતાં છુટછાટનો ફાયદો ઉઠાવીને આવી પહોંચેલા લોકો કચ્છમાં કોરોના લેતા આવ્યા છે. જેના કારણે કચ્છમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૫૪ થઈ ગઈ છે.
બે દિવસ પહેલા ૧૪ કેસ આવ્યા બાદ , ગઈકાલે ૩ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ફરી ૨૧ કેસ સામે આવતા ભયનું લખલખું ફેલાઈ ગયું છે. આજના નોંધાયેલા કેસમાં અત્યારસુધી કોરો રહેલા રાપર તથા નખત્રાણા તાલુકાનું પણ ખાતું ખુલ્લી ગયું છે. રાપર તાલુકામાં ૨ કેસ તો નખત્રાણા તાલુકાના કલ્યાણપર ગામમાં એક કેસ નોંધાયો છે. તો બીજીતરફ ભચાઉ તાલુકામાં ફરી એકવાર એકસાથે ૧૦ કેસ આવ્યા છે. મુંદરા તાલુકામાં ૪ કેસ, ગાંધીધામ તાલુકામાં ૧ કેસ તેમજ માંડવી તાલુકામાં ૩ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે.
કોરોના સંક્રમિત થયેલા તમામ લોકો અન્ય રાજ્યોમાંથી આવેલા છે તેમજ બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવતા વાયરસનો ભોગ બન્યા છે. તંત્ર દ્વારા તમામ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની તથા અન્ય તપાસ હાથ ધરાઈ છે. જો કે, રીપોર્ટમાં પોઝીટીવ આવેલા પહેલાથી જ ક્વોરેન્ટાઈન હોવાથી અન્યોના સંપર્કમાં આવ્યાની શક્યતા નહીવત છે. આમછતાં નિયમભંગ કરીને કોઈ ગામમાં ગયા હોવાની ત પાસ હાથ ધરાઈ છે. જો આવું થયું હશે તો જે તે ગામ માટે તે ખતરાની ઘંટડી બની રહેશે.
નવા 4171 વ્યકિતઓનું સ્ક્રીનીંગ
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. નવા ૪૧૭૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૨૦૧૨૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૬૩૯ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.