Get The App

ચાર વાગ્યા સુધીમાં ધંધો કેમ કરવો અને શું કમાઈ લેવુ? કચ્છમાં વેપારીઓની વ્યથા

- લોકડાઉન-4માં ઘણી છુટછાટની આશા હતી

- ખાણી-પીણીના ધંધાર્થીઓ ચિંતામાં મુકાયા : કેસો વધવા માંડતા ભવિષ્યની ચિંતા વધી

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
ચાર વાગ્યા સુધીમાં ધંધો કેમ કરવો અને શું કમાઈ લેવુ? કચ્છમાં વેપારીઓની વ્યથા 1 - image


ભુજ, તા.19 મે 2020, મંગળવાર

લોકડાઉન-૩ પૂર્ણ થયા બાદ લોકડાઉન-૪માં વેપારીઓને વધુ છુટછાટની આશા હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાના પગલે હવે સવારે ૮થી ૪ વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવાનું ફરમાન કરાતા કચ્છના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. ખાસ તો ખાણી પીણીના ધંધાર્થીઓ ચિંતામાં મુકાયા છે. સાંજના ભાગે નાસ્તાનો ધંધો ચાલે પરંતુ ચાર વાગ્યા સુધીમાં બંધ કરવાનું હોવાથી ગ્રાહકી કઈ રીતે થાય. અન્ય વેપારીઓ પણ વ્યથા ઠાલવતા કહી રહ્યા છે કે, સાંજના સાત વાગ્યા સુધીમાં બરાબર હતુ હવે ત્રણ કલાકનો ઘટાડો કરાતા વેપાર ધંધા કેમ ચલાવવા?

કોરોનાની મહામારીના શરૂઆતના દિવસોમાં કોરોનાના કેસો નહિંવત હોવાથી લોકડાઉન-૩ અને ૪માં કચ્છના લોકોને વધુ છુટછાટની આશા હતી જો કે, આંશિક છુટ મળતી રહેતી હતી. તેમાં વળી, લોકડાઉન-૪માં કચ્છમાં વધુ છુટછાટની આશા વચ્ચે વેપાર ધંધાનો સમય ઘટાડીને સાંજના સાતના બદલે ચાર વાગ્યા સુધીનો કરવામાં આવતા અત્યાર સુધી સાંજ સુધી દુકાનનો શટર ખુલ્લુ રાખતા વેપારીઓને હવે ચાર વાગ્યા તાળા મારવા પડે છે પરિણામે, વેપારીઓની મનોદશા બગડી છે. 

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામાના પગલે આજે બપોરે ચાર વાગ્યે તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. વેપારીઓએ નારાજગી સાથે જણાવ્યુ હતુ કે, ચાર વાગ્યા સુધીમાં શું કમાઈ લેવાનું? સાંજના સાત વાગ્યા સુધીનો સમય બરાબર હતુ. પરંતુ, સમયમાં ઘટાડો કરવામાં આવતા વધુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દરમિયાન, છેલ્લા દોઢ માસથી ચાલી રહેલા લોકડાઉનના પગલે વેપારીઓની દુકાનો બંધ રહી હોવાથી આર્થિક સ્થિતી કફોડી હતી. લોકડાઉન-૩ બાદ વધુ આશા હતી પરંતુ વેપાર ધંધામાં ગ્રાહકી જામતી ન હોવાથી પરિસ્થિતી વધુ કથળશે.

ગામડુ બજારમાં નહિં આવે ત્યાં સુધી ઘરાકી જામશે નહીં

લોકડાઉનની અમલવારી હજુ ચાલુમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો બજારમાં ખરીદી કરવા માટે આવતા નથી પરિણામે ખુદ વેપારીઓ કહી રહ્યા છે કે, જયાં સુધી ગામડુ બજારમાં નહિં આવે ત્યાં સુધી વેપાર ધંધામાં તેજી આવશે નહિં. ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માત્ર દવા લેવા માટે આવતા હોય છે અન્ય ચીજવસ્તુઓની ખરીદી સ્થાનિકે કરતા હોવાથી શહેરના વેપારીઓને નુકશાની ભોગવવી પડી રહી છે.

ઈદ-લગ્નની ગ્રાહકીના અભાવે વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન

આ દિવસોમાં લગ્નની મોસમ પુરબહારમાં ચાલતી હોય છે. એટલે કરિયાણાથી માંડીને લગ્ન સંબંધીત તમામ ધંધાર્થીઓને આ સીઝનમાં લાખો રૂપિયાની કમાણી થતી હોય છે. પરંતુ, કોરોનાની મહામારીના પગલે લગ્ન પ્રસંગો રદ થયા હોવાથી તમામ સંબંધિત ધંધાર્થીઓને લાખો રૂપિયાની નુકશાની થવા પામી છે. બીજીતરફ, રમજાન ઈદને લઈને પણ કપડા સહિતની ખરીદી બજારમાં જામતી હોય છે પરંતુ લોકડાઉનના પગલે ઈદની ગ્રાહકી પણ જામશે નહિં.

કચ્છમાં કેસો વધતા હવે શું નવા નિયમ આવશે : વેપારીઓમાં ચિંતા

અન્ય રાજયોની તુલનાએ કચ્છમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા નહિંવત હતી પરંતુ લોકડાઉન-૪ બાદ કચ્છમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો આવતા હવે કચ્છ રેડ ઝોનમાં આવી જશે કે તેની ચિંતા સાથે વેપારીઓ નવા નિયમો કેવા હશે તેની ચિંતા કરી રહ્યા છે. અત્યાર સુધી સાંજના સાત અને પછી ચાર કલાક સુધી ધંધા રાખવાની છુટ મળી પરંતુ હવે કેસો વધતા કયાંક પાછા ધંધા બંધ ન થાય તેની પણ ચિંતા જાગી છે.

Tags :