Gujarat

કચ્છમાં ધોધમાર વરસાદ, વાવાઝોડું આવે તો જર્જરિત ઈમારતો ધરાશાયી થઈ જશે

By GS Team
24 Jun 20202 mins read
This article was originally published on 24 Jun 2020
કચ્છમાં ધોધમાર વરસાદ, વાવાઝોડું આવે તો જર્જરિત ઈમારતો ધરાશાયી થઈ જશે

- જાહેર માર્ગો પર આવેલા મકાનો,દુકાનોની આસપાસ પસાર થતા રાહદારીઓ ઉપર જોખમ

- આસપાસ વાહન પાર્કિંગ પણ હોવાથી મોટુ જોખમ સર્જાય તેમ છે

ભુજ, તા. 23 જૂન 2020, મંગળવાર


ચોમાસાના પ્રારંભ સાથે જ કચ્છમાં પણ જોરદાર વરસાદનું આગમન થઈ ચુકયુ છે. ચોમાસાની સીઝનમાં અતિશય જર્જરીત હાલતમાં ઉભેલી મિલકતો ધરાશાયી થાય તો મોટી દુઘર્ટના સર્જાઈ શકે છે. કચ્છમાં પણ જો ધોધમાર વરસાદ પડે અથવા તો વાવાઝોડુ આવે તો નિર્દોષ લોકોની જિંદગી જોખમાય તેમ છે.

ભુજ ઉપરાંત તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અતિશય જર્જરીત હાલતમાં મકાનો જીવ લે તેમ છે. જો કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડે અને વાવાઝોડુ આવી ચડે તો મકાન માલિકોની લાપરવાહીથી કોઈ માસુમની જિંદગી પણ જોખમાય તેમ છે. વહીવટી તંત્રની પણ આ મામલે ઉદાસીનતા જોવા મળે છે. ભુકંપ વખતે કચ્છમાં જર્જરીત બનેલી ઈમારતો આજે પણ જોખમી બનીને ઉભી છે.આ ભયજનક ઈમારતો ચોમાસામાં પણ દુર્ઘટનાને જન્મ આપે તેમ છે.

માત્ર, ઈમારતો અને મકાન જ નહિં બલકે કેટલીક એવી પણ દુકાનો છે જે જોખમી છે. મોતના માચડા સમાન દુકાનોની દુકાનદારોને પડી નથી અને ગ્રાહકો પર પણ જોખમ તોળાય છે. કેટલીય ઈમારતો ધોધમાર વરસાદ અને વાવાઝોડાનો ભાર સહન કરી શકે તેમ નથી. કચ્છમાં જાહેર માર્ગો પર આવેલી આવી જર્જરીત ઈમારતો, મકાનો અને દુકાનોની આસપાસ રાહદારીઓ પસાર થાય છે. આ જગ્યાની આસપાસ વાહનો પણ પાર્કિંગ કરવામાં આવે છે. જે જોતા મોટુ જોખમ સર્જ તેમ હોવાથી આવી ઈમારતો, મકાનો અને દુકાનોનું પણ સર્વે કરાવવુ જોઈએ.

આ મામલે સરકારી તંત્રની પણ લાપરવાહી છે. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક રહેવાસીઓ દ્વારા લેખિત-મૌખિક રજુઆત કરવા છતા તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી.