લોકડાઉનમાં છુટછાટ અપાતા કચ્છના શહેરી-ગ્રામિણ વિસ્તારોમાં પણ ચહલપહલ વધી
- રવિવાર છતા પણ છુટછાટવાળા દુકાનો ખુલ્લા જોવા મળ્યા
- હાઈવે પર પંચર-ગેરેજો ખુલ્લી જોવા મળી તો ગામડાઓમાં લોકડાઉનની હળવી અસર જોવા મળી : લોકો સ્વંયશિસ્ત જાળવીને ઘરમાં રહ્યા
ભુજ,રવિવાર
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં છુટછાટ આપીને દુકાનો ખુલ્લી રાખવા શરતો આધિન મંજુરી અપાઈ છે જેના ભાગરૃપે આજે કચ્છના શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં પણ છુટછુટવાળી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. રવિવાર હોવા છતા પણ દુકાનો ખુલ્લી રહેતા રોજ કરતા થોડી વધારે ચહલ પહલ જોવા મળેલ. ગ્રામિણ વિસ્તારોમાં પણ સાંજના પાંચ સુધી દુકાનો ખુલ્લી રહી હતી. જો કે, આગામી ૩ મે સુધી લોકડાઉન અમલમાં હોવાથી લોકો પણ કારણ વિના ઘરની બહાર નિકળ્યા ન હતા.
લોકડાઉનમાં થોડી છુટ મળતા હવે અન્ય ધંધાર્થીઓને પણ આશા જાગી છે. અત્યાર સુધી માત્ર કરિયાણા, શાકભાજી અને મેડીકલ, દવાખાના ખુલ્લા રહેતા હતા પરંતુ ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈને ગત રોજ છુટછાટ આપી હતી. જેમાં, ખાસ તો ગ્રામિણ વિસ્તારોમાં ધંધા રોજગાર ચાલુ રાખવાની છુટ મળી રહેતા હવે લોકડાઉનની સંપૂર્ણ અસર જોવા મળતી નથી. તો વળી, ઔધોગીક એકમોને પણ મંજુરી મળી હોવાથી લોકો કામે જતા થયા છે. પ્લબર, કડીયાકામ, ખેતીના કામો પણ શરૃ થયા હોવાથી ચહલ પહલ વધી છે. ૨૦મી બાદ આ ચહલપહલમાં આજે વધારો થયો હતો. ગ્રામિણ વિસ્તારમાં આજે રવિવાર હોવા છતા પણ સાંજના પાંચ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જો કે, લોકડાઉન અમલમાં હોવાથી લોકો ખરીદી કે ચોક્કસ કારણ વિના બહાર નીકળવાનું ટાળ્યુ હતુ.
તો વળી, હવેથી, સ્ટેશનરી ખુલ્લી રહેશે. તો આજે જ હાઈવે તેમજ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ગેરેજ ખોલવાની છુટ અપાયેલ હોવાથી સવારથી કચ્છમાં પણ ગેરેજો ખોલવામાં આવી હતી. સરકાર દ્વારા થોડી છુટછાટ આપવામાં આવી રહી હોવાથી હવે આગામી દિવસોમાં વધુ છુટછાટ મળે તેવી પણ શકયતા હોવાથી અન્ય વેપારીઓ-ધંધાર્થીઓ તેની રાહમાં છે. જો કે, સોશ્યિલ ડિસ્ટીન્સનો ભંગ કરવામા ંઆવશે તો પોલીસ દ્વારા સખ્ત પગલા લેવાશે.