આજથી નવરાત્રિ શરૂ : ભુજમાં છાકટા બનતા તત્વો પર પોલીસ ઘોંસ બોલાવશે
- ખાનગી ગરબામાં ઝૂમતા લોકોને પકડવા બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ થશે
- આવારા તત્વો દ્વારા મહિલા વર્ગની પજવણી ન થાય તે માટે ખાસ આયોજન
- પુર ઝડપે બાઈક ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે
ભુજ. તા.9 ઓકટોબર 2018, મંગળવાર
બુધવારથી નવરાત્રિની શરુઆત થઈ રહી છે અને યુવાનિયાઓ રમઝટ બોલાવવાના છે તો પારિવારિક ગરબાઓ ઉપરાંત ખાનગી ગરબા મહોત્સવમાં પણ ભીડ જામવાની છે ત્યારે આવારા તત્વો લોકોને અને ખાસ કરીને યુવતીઓ કે મહિલાઓને પજવણી ન કરે તે માટે પોલીસ સખતાઈથી કામ લેશે. આ માટે શહેર પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે .
રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલતા શેરી ગરબાઓ અને મોટા નવરાત્રિ મહોત્સવોમાં અસમાજિક કહેવાતા તત્વોનો પગપેસારો સરળતાથી થઈ જતો હોય છે. શહેર પોલીસે લોકો રાસ ગરબાનું મનોરંજન લોકોને સરળતાથી મળી રહે તેવા પ્રયાસોના ભાગરુપે આયોજન ઘડી કાઢયું છે. હોસ્પટલ રોડ, કોલેજ રોડ, હિલ ગાર્ડન સહિતના વિસ્તારો તેમજ ગામ તળની અંદરના ભાગોમાં રાત્રે ૯ વાગ્યાથી જ પેટ્રોલિંગ શરુ કરી આપવામાં આવશે.
એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેકટર જે. એમ. આલે જણાવ્યું હતું કે, પારિવારિક ગરબા મહોત્સવમાં કેટલાક લોકો ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે તો કેટલાક નશાયુક્ત હાલતમાં પણ આવી શકે છે. નવરાત્રિની ગરીમા ભંગ ન થાય અને ખેલૈયાઓ નિશ્ચિંત રીતે રમી શકે તે માટે બ્રેથ એનેલાઈઝર સહિતના સાધનોથી ચેકિંગ કરવામાં આવનારા છે. પોલીસ વિભાગ તરફથી વધારાના ત્રણ બ્રેથ એનેલાઈઝર શહેર પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. જરૂરિયાત જણાશે તો ગરબાના મેદાનમાં અયોગ્ય રીતે ઝૂમતા લોકોનુ પણ ચેકિંગ કરવામાં આયોજકો સહિતનાઓની કોઈ શેહ શરમ રાખવામાં આવશે નહીં.
આ ઉપરાંત ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા યુવાનો, કોઈની પજવણી કરતા આવારા તત્વોને રોકવા માટે પણ પોલીસ જવાનો ચાર રસ્તા પર તથા અન્ય વિસ્તારોમાં ખડેપગે રહેવાના છે.
આડેધડ પાર્કિંગ સામે પણ પગલા જરુરી
નવ દિવસ સુધી ખેલૈયાઓ અને ગરબા રસિકો નીકળી પડતા હોય છે. શહેરના આંતરિક ભાગોમાં કરાતા આડેધડ પાર્કિંગના કારણે સમસ્યા ઉભી થતી હોય છે તો કોલેજ રોડ પરના ગરબા ગ્રાઉન્ડમાં રમવા જતા લોકો પણ રોડ સાઈડમાં વાહન મૂકી દેતા હોવાના કારણે જામ સર્જાતો હોય છે. હવે માતાના મઢનો ટ્રાફિક પરત થવાનો છે ત્યારે રસ્તા પર મૂકેલા તમામ પ્રકારના વાહનો નડતરરૂપ બનવાના કારણે હાઈ વે પર પણ જામ થઈ શકે છે. ટ્રાફીક પોલીસ આ મામલે પણ ધ્યાન આપે તો શહેરીજનોની હાલાકી દૂર થઈ શકશે.