ઘાસચારાના અભાવે ખાવડામાં ગાયનું મોત નિપજતા અરેરાટી
- અછતની આફત આખરે જીવલેણ બનવા માંડી
ભુજ, તા 15 સપ્ટેમ્બર, 2018, શનિવાર
ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છમાં નહિંવત વરસાદ છે. વરસાદના અભાવે ઘાસચારાની મોટે પાયે તંગી સેવાઈ રહી છે. બન્ની-પચ્છમ, લખપત અને અબડાસા પંથકમાં માલધારીઓએ હિજરતનો દોર શરૃ કરી દીધો છે, ત્યારે ખાવડામાં ઘાસચારો ન મળવાથી ગાયનું મોત થયુ છે. આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન ન થાય અને તંત્ર દ્વારા ઘાસચારાની પુરતી વ્યવસ્થા નહિં કરવામાં આવે તો અબોલ જીવોના મોતને અટકાવી શકાશે નહિં.
એકલા બન્ની-પચ્છમ પ્રદેશમાં એકાદ લાખ અબોલ પશુઓની સંખ્યા છે. વરસાદ થાય તો માલધારીઓને રાહત રહે છે અન્યથા પ્રદેશ છોડવો પડે છે અને આ સાલે વરસાદ પડયો જ નથી પરિણામે પશુપાલકોની કફોડી હાલત છે. પશુઓના જીવ બચાવવા માલધારીઓએ છેલ્લા કેટલાક દિવસોથી હિજરત પણ શરૃ કરી દીધી છે. ત્યારે ખાવડામાં પોલીસ મથકની બાજુમાં એક ગાયનું ઘાસચારાના અભાવે મોત નિપજયુ છે. રસ્તે રઝડતા પશુઓની હાલત દયનીય છે. માલિકીવાળા પશુઓનો નિભાવ થાય છે જ્યારે રસ્તે રઝડતા પશુઓની હાલત દયનીય છે ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ છે. ઉલ્લેખનિય છે કે, બે-ચાર વર્ષ પૂર્વે બન્ની-પચ્છમમાં વધુ વરસાદના લીધે મોટી સંખ્યામાં ગાય ભેંસોના મોત થયા હતા. જયારે વરસાદ ન થાય ત્યારે અબોલ જીવોના મોત બન્ની પચ્છમાં મોત થયા છે.