રજીસ્ટર ન નિભાવનારા લેબર કોન્ટ્રાકટરો વિરુદ્ધ પણ ગુના નોંધાયા
ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં ભાડુઆત નોંધણી ચેકીંગ માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવનાર ૩૯ મકાન માલિકો સામે ગઈકાલે જાહેરનામાં ભંગના કેસ દાખલ કરાયા બાદ વધુ ૩૮ મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કારખાના-ઔદ્યોગિક એકમમાં મજૂર નોંધણી અગેનું રજિસ્ટર ન નિભાવનાર ચાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં કારખાના, ઔદ્યોગિક એકમો અને બેનસાઓ મોટી સંખ્યામાં આવેલા છે. જેમાં કામ કરવા માટે લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરી કામ માટે બહોળી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોને કામે રાખવામાં આવતા હોય છે. જેમાં તેમને ભાડા પર મકાન આપ્યા બાદ મજૂરોની સંપૂર્ણ વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે
તેમજ ભાડુઆતના ઓળખપત્ર ફોટા સાથે નોંધણી કરાવવાનું જાહેરનામું અમલમાં છે. ક્લેકટરનું જાહેરનામું હોવા છતાં પણ નિયમનું પાલન કરવામાં આવતું નથી જેથી પૂર્વ કચ્છમાં આવતા તમામ પોલીસ સ્ટેશન દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ગઈકાલે કુલ્લ ૩૪૭ ભાડુઆત ચેક કરી ૩૯ મકાન માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે બાદ બીજા દિવસે કુલ ૨૨૮ ભાડુઆત ચેક કરી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરાવી હોય તેવા ૩૮ મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એસઓજીએ ૨૪ ભાડુઆત ચેક કરી એક પણ કેસ કર્યો ન હતો. માત્ર ૨૪ મકાન ચેક કર્યા હતા. જ્યારે પૂર્વ કચ્છ એલ.સી.બીએ ૧૨ ભાડુઆત ચેક કરી ૬ સામે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ એ ડિવિઝનમાં ૫, બી ડિવિઝન ૮, અંજાર અને કંડલા મરીનમાં ૫-૫, રાપરમાં ૩, આદિપુરમાં બે અને દુધઈ,આડેસર, સામખિયાળી અને ભચાઉ પોલીસમાં એક-એક ફરિયાદ દાખલ થઈ હતી. લાકડિયા, ખડીર, બાલાસર અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધાયા નથી.


