કંડલા આવેલા જહાજના ક્રુ-મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: કુલ કેસ 80
- ગત 28ના સેમ્પલ લેવાયા બાદ
- પોઝીટીવ આવેલ દર્દી હરિયાણાના રોહતકનો વતની : દર્દી વિશાલના સંપર્કમાં કુલ 38 લોકો આવ્યા
ભુજ,તા.30 મે 2020,શનિવાર
કચ્છમાં આજે વધુ એક પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો હતો. શારજાહ(યુએઈ)ના ખોરફાક્કન પોર્ટથી સિલિકા માટી ભરીને કંડલા પોર્ટ આવેલા પ્રોપીલ પ્રોગ્રેસ નામના જહાજમાં તૈનાત ભારતીય ક્રૂ વિશાલ (૩૩)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાવા પામ્યો હતો. કચ્છમાં પોઝીટીવ કેસોનો કુલ આંક આજે ૮૦ પહોંચ્યો હતો.
વિદેશથી ભારત આવતા જહાજમાંથી ભારતમાં ઉતરતા કે ભારતથી જહાજમાં સવાર થતા ક્રુ મેમ્બરનું પોર્ટ પર સર્વ પ્રથમ ટેસ્ટ લેવામાં આવતુ હોય છે. ત્યારે, શારજાહથી કંડલા આવેલા જહાજના ક્રુ મેમ્બર વિશાલનું ગત ૨૮ના સેમ્પલ લેવાયુ હતુ. તેનો રિપોર્ટ ગત મદ્ય રાત્રે પોઝીટીવ આવ્યો હતો. રિપોર્ટ પોઝીટીવ આવતા જ વિશાલને આદિપુરની હરિઓમ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોઝીટીવ આવેલ દર્દી હરિયાણાના રોહતકનો વતની છે. વિશાલના સંપર્કમાં કુલ ૩૮ લોકો આવ્યા છે. જેમાંથી, આરોગ્ય વિભાગ દ્વારા સંપર્કમાં આવેલા પૈકી સાત જણાને ગાંધીધામની હોટલમાં ઈન્સ્ટિટયુશનલ કવોરન્ટાઈન કર્યા છે. જયારે ૨૩ સેઈલર્સ-ક્રુ મેમ્બરોને જહાજની અંદર જ આઈસોલેટ કવોરન્ટાઈન કરી દેવાયા છે. તેમજ અન્ય આઠ લોકોને આદિપુર લીલાશા કુટીયા ખાતે કવોરન્ટાઈન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ જહાજ ૧૮ મેના રોજ શારજાહથી કંડલા આવવા નીકળ્યુ હતુ. કંડલા બંદર પછી સુરતના હજીરા પોર્ટ અને ત્યારબાદ પશ્વિમ બંગાળના પોર્ટ ખાતે જવાનું હોવાનું જાણવા મળ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ મુંદરામાં મુંબઈથી આવેલા ક્રુ મેમ્બરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
અત્યાર સુધીમાં 36015 લોકોનો કરાયો સર્વે
કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 90 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરાયા
- જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ 54 દર્દી દાખલ : 165 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
કચ્છના કુલ ૨૬ કન્ટેન્મેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ ૩૬૦૧૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૦૬૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૯૦ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા.જેમાંથી ૧ પોઝીટીવ કેસ નોંધાયો હતો. અત્યાર સુધી કુલ ૮૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલોમાંથી કુલ ૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં ૨૫ એકટીવ પોઝીટીવ કેસ છે.
કોરેન્ટાઇન અંગેની વિગતોમાં કુલ ૪૭૫૬ જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. અત્યાર ધુધીમાં કુલ ૧૬૭૯૫ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૬ વ્યકિતઓ થઇ અત્યાર સુધી કુલ ૨૮૨ લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.
જયારે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ વ્યકિતઓ થઇ કુલ અત્યાર સુધી ૪૭૧ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૫૪ દર્દી દાખલ : ૧૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.