Get The App

ગુજરાતમાં પ્રથમવાર 200 કરોડની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ! 30,000 ચો.મી. જમીન પચાવી પાડી

Updated: Sep 21st, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં પ્રથમવાર 200 કરોડની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ! 30,000 ચો.મી. જમીન પચાવી પાડી 1 - image

મૂળ દબાણ વિસ્તાર 7 હજાર ચો.મી.થી વધીને 30 હજાર ચો.મી. થઈ ગયું

અંદાજિત 200 કરોડની સરકારી ટાવર્સની જમીન પચાવી પાડવાનો 'હિલ વ્યું રિસોર્ટ'ના માલિકો સામે આક્ષેપ

Bhuj Land Grabing News | ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર રૂપિયા 200 કરોડ કિંમતની સરકારી જમીન ખાલી કરાવવા એક જાગૃત નાગરિકે જમીન પચાવવાના કાયદા- 2020 તળે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. વર્ષ-2018થી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ ભ્રષ્ટ સરકારી તંત્રને રિમાઈન્ડરો કરાયા પરંતુ મૂળ દબાણ વિસ્તાર 7000 ચો.મી.થી વધીને 30000 ચો.મી. થઈ ગયું હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

સરકારી રેકર્ડ મુજબ માત્ર 3800 ચો.મી. જમીન નવી અવિભાજય શરતે હોટલ ઉદ્યોગ માટે કચ્છ કલેક્ટરે ફાળવેલ છે, પરંતુ સ્થળ સ્થિતી મુજબ હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકોએ લાગુની સરકારી ટ્રાવર્સ 870/1 ની જમીન પર ખુલ્લેઆમ દબાણ કરાયાની ફરિયાદ કરી હતી. પરંતુ, ભ્રષ્ટ સરકારી તંત્રની જય હો. આજ દિન સુધી ડબલ એન્જિન સરકારના કલેક્ટર  દબાણની જમીન ખાલી કરાવી શક્યા નથી અથવા ખાલી કરાવવા ઈચ્છતા જ  નથી. 

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મુજબ આશરે 30000 ચો.મી. દબાણ છે. ગુગલ ઈમેજમાં દબાણ વિસ્તાર દર્શાવતી તસ્વીરો અને મહેસુલી રેકર્ડ ફરીયાદીએ કમિટી સમક્ષ પ્રસ્તુત કર્યો છે અને આ દબાણ એરપોર્ટ રોડ ટચ સરકારી મિલકતની બજાર ભાવ પ્રમાણે આશરે રૂપિયા 200 કરોડ આંકી છે.

હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકો દ્વારા દબાણ જમીન પર બનાવેલ મોટા પાર્ટી પ્લોટ પર લગ્ન પાર્ટીઓનું આયોજન કરી ઈવેન્ટ દીઠ રૂપિયા 5-7 લાખ અને નાના પાર્ટી પ્લોટના રૂપિયા 1.50-2.00 લાખ તથા હોલના રૂપિયા 0.75 લાખ ભાડા વસૂલ કરી છેલ્લા 8 વર્ષમાં કરોડોની કમાણી કરી છે. 

આ હોટેલની બાજુનો ડુંગર કાપીને આશરે 3000 ચો.મી.થી વધુ વિસ્તારનો કાર પાર્કિંગ બનાવી નાખેલ દેખાય છે છતાં મામલતદાર ગ્રામ્ય અને ભુસ્તર શાસ્ત્રી ને કેમ દેખાયો નથી? તેવો પ્રશ્ર ફરિયાદી કરે છે. 

સરકારી ઠરાવ 16-7-2022 મુજબ સરકારી મિલકતોની ચોકીદારી કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની નક્કી કરેલ છે, પરંતુ તેઓએ આજ દિન સુધી અહેવાલ આપવા પાછીપાની કરી છે. 

વર્તમાન કચ્છ કલેકટર પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિય સાબિત થયા છે. ખરેખર સરકારી જમીનોની ચોકીદારી કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની છે, તે સંપૂર્ણ નિષ્ફળ છે ત્યારે કોઈ જાગૃત નાગરિક તેમની ફરજ બજાવી લેખિતમાં જાણ કરે છે તો બે બે વર્ષ સુધી આ કલેકટર કોઈ કાર્યવાહી કરતા નથી.

આઠેય ભાગીદારોએ મળીને 7 હજાર ચો.મી. જમીન પચાવતા 2018માં અરજી કરાઈ હતી

ભુજના હિલગાર્ડન નજીક સર્વે નં.870 પૈકી 1 ખાતા નંબર 746ની નવી અને અવિભાજય શરતની 3800 ચોરસ મીટર જમીન 2016માં તત્કાલીન કલેક્ટરે હોટલ બનાવવા ખાનગી માણસોને ફાળવી હતી. આ જમીન પર આઠ ભાગીદારો  જગદીશ આણંદજી ઠકકર, હિંમત લીલાધર દામા, હિતેન શંકરલાલ દામા, પ્રકાશકુમાર નટવરલાલ પટેલ, શૈલેષ રાજેશભાઈ મોદી, જિગીશકુમાર રાજેશકુમાર મોદી, શેહનાઝ કરીમભાઈ પાયલા, અશર્રફઅલી વલી આગરીયાએ હિલ વ્યુ રિસોર્ટનું નિર્માણ કર્યુ હતું. આ તમામ ભાગીદારોએ સરકારી જમીન ટ્રાવર્સ સર્વે નંબર 870 પૈકી 1 ની જમીન ગેરકાયદે પચાવવાનું શરૂ કર્યું હતુ. 2018માં પ્રથમ વખત આ ભાગીદારોએ 7 હજાર ચો.મી. જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે જે તે સમયે અરજી કરાઈ હતી.