કચ્છના સૌથી મોટા રૂદ્રમાતા ડેમની કેનાલ જર્જરીત : ખેડૂતો પાક પણ લઈ શકતા નથી
- 1972માં કેનાલ બન્યા બાદ સમારકામની કામગીરી ભાગ્યે જ થઈ
- ૨૪ કિ.મી.ની કેનાલને ફરીથી રિનોવેશન કરવામાં આવે તો ડેમના કમાન એરિયામાં આવતા સાત ગામોની ૨૯ હજાર હેકટર જમીનને નિયમિત પાણી મળી શકે તેમ છે
કચ્છ જિલ્લાના સૌથી મોટા ડેમમાં જેની ગણના થવા પામે છે તેવા રૂદ્રમાતા ડેમનું વર્ષ ૧૯૭૦માં નિર્માણ કરાયુ અને બે વર્ષ બાદ ૧૯૭૨માં કેનાલ બનાવાઈ. પરંતુ કેનાલ બનાવાયાના આટલા દાયકાઓ પછી પણ કેનાલની મરામત સિંચાઈ વિભાગ દ્વારા ભાગ્યે જ કરવામાં આવી હોવાથી પિયત વખતે પાણીનો વેડફાટ થાય છે પરિણામે, ખેડૂતો પુરતો પાક લઈ શકતા નથી.
રૂદ્રમાતા ડેમની આજુબાજુ ગામડાઓના સીમાડામાં ખેતી માટે ૨૪ કિ.મી.જેટલી લાંબી કેનાલ બનાવવામાં આવેલ છે અને આ ડેમની કમાન ૨૯ હજાર હેકટર જેટલી જમીનને ખેતી માટે પાણી પુરૂ પાડે છે. ડેમના આજુબાજુના સુમરાસર, ઢોરી, કુનરીયા, નોખાણિયા, ઝુરા કેમ્પ, લોરીયા ગામના ૨૩ હજાર ખેડૂતોને આ ડેમની પિયતનો લાભ મળે છે. પરંતુ, કેનાલના નિર્માણ બાદ તેની મરમંત માટે સિંચાઈ વિભાગ દ્વારા દરકાર લેવામાં આવી નથી. પરિણામે, વર્તમાન સમયમાં કેનાલ ભાંગેલી તુટેલી અવસ્થામાં છે. કેનાલની આવી હાલતના કારણે ખેડૂતો ચોમાસામાં ડેમ ભરાય તો પણ ત્રણ પાક પણ લઈ શકતા નથી.
આ અંગે રજુઆત કરતા ભુજ તાલુકા કિસાન મોરચા ભાજપના મહામંત્રી વિરમ રામજીભાઈ આહિર(સુમરાસર)એ ઉચ્ચ સ્તરે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, ડેમના નિર્માણના ૪૦-૪૫ વર્ષો બાદ પણ કેનાલની આવી જ સ્થિતી છે. અનેક જગ્યાએ ગાબડાઓ અને નીચે તળીયો ખરાબ થઈ જવાના કારણે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતો નથી. સારા વરસાદના કારણે ડેમ ઓવરફલો થાય તો પણ ખેડૂતો ત્રણ પાક લઈ શકતા નથી. એકાદ પાક લઈને સંતોષ માનવો પડે છે. જો કેનાલની મરંમત કરવામાં આવે તો આ તમામ ગામો અને અંદાજીત ૨૯ હજાર હેકટર જમીનને આખુ વર્ષ નિયમિત પાણી મળી શકે તેમ છે. જેથી સત્વરે કેનાલનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.