વરસાદી માહોલ વચ્ચે ભુજ 40 ડિગ્રી સાથે રાજ્યનું સર્વાધિક ગરમ મથક
- રાત્રિના અસહૃ બફારાની અનુભુતિ
- કંડલા પોર્ટ ૩૮.૧, નલિયા ૩૮ અને કંડલા એરપોર્ટ ૩૬.૮ ડિગ્રી
ભુજ, સોમવાર
કચ્છમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. ભુજમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સે. નોંધાયું છે. જે રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. કંડલા પોર્ટમાં ૩૮.૧ ડિગ્રી, નલિયામાં ૩૮ ડિગ્રી અને કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું.
ભુજમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીના આંકે પહોંચી જતા લોકો આકરા તાપથી અકળાયા હતા. ઉકળાટ ભર્યા વાતાવરણમાં ગરમીનો પ્રકોપ જારી છે. આકરી ગરમીના કારણે મુંગા અબોલ પશુઓની હાલત કફોડી થઈ ગઈ છે. બપોરના અસહૃ ગરમીથી રક્ષણ મેળવવા લોકો એસી, એરકુલરનો આસરો લઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાન ઉચું રહેતા રાત્રે પણ અસહૃ બફારો અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૯ ટકા અને સાંજે ૬૮ ટકા જેટલું ઉચું નોંધાયું હતું. પવનની ઝડપ સરેરાશ પ્રતિકલાક ૫ કિમીની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં ૩૮.૧ ડિગ્રી અને કંડલા (એ)માં ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.