ભુજમાં પવનની ગતિ મંદ પડી : સંધ્યા ખીલી ઉઠી
૩૬.૮ ડિગ્રી સાથે ભુજ રાજ્યમાં બીજા અને કંડલા એરપોર્ટ ૩૬.૭ક સાથે ત્રીજા નંબરનું ગરમ મથક
ભુજ: મહત્તમ તાપમાન ઉંચકાતા શ્રાવણમાં આકરી ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો. ૩૬.૮ ડિગ્રી સે. સાથે ભુજ રાજ્યનું બીજા નંબરનું અને ૩૬.૭ ડિગ્રી સે. સાથે કંડલા એરપોર્ટ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા પોર્ટમાં ૩૪.૬ ડિગ્રી અને નલિયામાં ૩૩.૧ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ મંદ પડી ગઈ હતી.
જેઠ અને અષાઢમાં સારા વરસાદ બાદ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભથી અત્યાર સુધી ખાસ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. છૂટાછવાયા સ્થળોએ ઝરમરથી હળવા ઝાપટાં શ્રાવણની શરૂઆતમાં વરસ્યા બાદ મેઘવિરામ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
ભુજમાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઉંચકાઈને ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું. સવારથી આકરો તાપ અનુભવાયો હતો. મધ્યાહ્ને તાપની તીવ્રતા વધી હતી. ચૈત્રી-વૈશાખ જેવો તાપ અનુભવાયો હતો. વાતાવરણ ભેજનુું પ્રમાણ સવારે ૮૧ ટકા અને સાંજે ૪૮ ટકા નોંધાયું હતું. પવનની ગતિ મંદ પડી જતાં ગરમી અને ઉકળાટ અનુભવાતા લોકો પરેશાન થઈ ગયા હતા. સાંજના સમયે સોનેરી સંધ્યા ખીલી ઉઠી હતી. અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો.
કંડલા એરપોર્ટ ખાતે ૩૬.૭ ડિગ્રી સે. નોંધાયું હતું. અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં સવારના વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બાદમાં સુર્યનારાયણ દેવ આકરો મિજાજ બતાવત ા બપોરે આકરો તાપ અનુભવાયો હતો. કંડલા પોર્ટમાં ૩૪.૬ ડિગ્રી અને નલિયામાં ૩૩.૧ ડિગ્રી નોંધાયું હતું.


